અમદાવાદ
અમદાવાદમાં 15 વર્ષની બાળકી માતા બની હોવાનો ચોંકાવનારો કિસો સામે આવ્યો છે. સગીરાના ઘરની બાજુમાં જ રહેતા છોકરાએ સ્કૂલે જતી બાળકીનો પીછો કરી પ્રેમ સંબંધ બાંધ્યો. ધીમે ધીમે સોશિયલ મીડિયામાં વાત શરૂ કરી. ત્યાર બાદ સગીરાના એકલતાનો લાભ લઈ ઘરે આવતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. 15 વર્ષની બાળકીને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ ગયા અને બાળકીએ એક બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો. આ અંગે બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બાળકીની માતાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે , હું લોકોના ઘરમાં કામ કરું છું અને રસોઈ બનાવા જાઉ છું. મારે મારા પતિ સાથે આજથી પંદરેક વર્ષ પહેલા મનમેળ ન આવતા અલગ રહું છું. મારી સાથે મારી 15 વર્ષની દીકરી રહે છે જે ધોરણ 10 સુધી ભણી છે . ગઇકાલ 2જી માર્ચના રોજ સાંજના છ વાગ્યે હું કામ પરથી ઘરે આવી ઘરનું કામ પુરી કરીને સુવાની તૈયારી કરતી હતી. તે સમયે મારી દીકરીએ મને જણાવ્યું કે, મમ્મી મને પેટમાં અને કમરના ભાગે ખુબ જ દુ:ખાવો થાય છે. જેથી તેને ઇનો પીવડાવ્યા બાદ દુ:ખાવો ઓછો ન થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી .
દીકરીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા બાદ ડોકટરોએ મારી દીકરીની તપાસ કરતા તેને નવ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું . જેથી દીકરીને પ્રસુતિ વિભાગમાં દાખલ કરી હતી. દીકરીને નોર્મલ ડિલિવરી થતાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ દીકરી સંપૂર્ણ ભાનમાં આવતા માતાએ તેને આ બાબતે પુછતા તેણે જણાવ્યું હતું કે, આપણી સોસાયટીની બાજુમાં રહેતો છોકરો આજથી એકાદ વર્ષ પહેલા હું જ્યારે સ્કુલે જતી હતી ત્યારે મારી પાછળ પાછળ આવતો હતો અને મને પ્રેમ સંબંધ રાખવા અવાર નવાર કહેતા મે તેને હા પાડી હતી.
છોકરાએ તેનો મોબાઇલ નંબર આપ્યો હતો અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. અમે બંને અવાર નવાર ચોરી-છુપીથી વાતચીત કરતા હતા તેમજ તમારા મોબાઇલમાં મારૂ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ખોલી છોકરા સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતી હતી. બાદ આ છોકરાએ મને જણાવ્યું હતું કે, હું તને ખુબ જ પ્રેમ કરું છુ અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેવી વાત કરતા હું તેની વાતમાં આવી ગઇ હતી. આ છોકરો આપણા ઘરે કોઇ ન હોય ત્યારે છેલ્લા એક વર્ષથી મને મળવા આવતો અને મારી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો. જેનાથી હું ગર્ભવતી બનતા મેં આ બાળકને જન્મ આપ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
