અમદાવાદ
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટ એરિયાના એક બંગલોમાં 45 લાખથી વધુની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિવાર સવારે જાગ્યો ત્યારે ઘરમાંથી 45 લાખથી વધુની ચોરી થઈ ગઈ હતી. આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે . પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે , મેડિલિંક હોસ્પિટલ પાસે વૃંદાવન બગલોમાં રહેતા રચિત સુનિલકુમાર સોનીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેઓ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સ્કુલની સામે પારસ હેલ્થ કેર નામથી સ્ટોર ધરાવે છે. તેમના પરિવારમાં પિતા સુનીલકુમાર નગીનદાસ સોની તથા માતા હિનાબેન સોની, પત્ની પિનલ તથા દીકરી જીવા છે. તેમના માતા-પિતા મથુરા દર્શન કરવા ગયા હતા.
3જી માર્ચના રોજ રચિત ભાઈ અને તેમની પત્ની અને દીકરી સાથે ઘરે પહેલા માળે આવેલા બેડરૂમમાં સુતા હતા. 4 માર્ચના સવારના સાતેક વાગ્યાની આસપાસ રચિતભાઈ જાગ્યા અને તેમણે જોયું તો તેમના મકાનના સામે સોસાયટીના સભ્યો ભેગા થયા હતા. રચિતભાઈએ તેમને શું થયું છે પૂછતાં તેઓએ રચિતભાઈને જણાવ્યું કે, સોસાયટીના મકાન નં.19ની પાછળના સાઇડની ગ્રીલ તૂટી છે. ત્યાર બાદ રચિતભાઈએ મકાનના ડ્રોઇંગ રૂમમાં ડાઇનીંગ ટેબલની ઉપર ક્રોકરી એરિયામાં મુકેલી વિંટી લેવા જતા તે ત્યાં હતી નહિં. ત્યાર બાદ માતા-પિતાના બેડરૂમમાં જોતા બેડરૂમની પાછળની દીવાલની બારીની ગ્રીલ પણ તૂટેલી હતી. ચિરાગભાઈને ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે સોના ચાંદીના દાગીના અને અન્ય વસ્તુ મળીને અંદાજે 45 લાખથી વધુની મત્તા ચોરી થઈ હોવાની વિગત અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.