એક શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાની લાલચ આપી ટ્રકો ભંગારમાં વેંચી માર્યા

Spread the love

 

જામનગર

જામનગરમાં વાહનો ભાડે આપતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. ટ્રક ભાડે ચલાવવાના નામે એક કરોડ રૂપિયા જેવી મોટી છેતરપિંડી થઇ હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગર નજીકના નાઘેડી ગામે રહેતાં એક શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાની લાલચ આપી ટ્રકો ભંગારમાં વેંચી માર્યા હતાં. એક બે નહીં પરંતુ ભાણવડના ટ્રાન્સપોર્ટરની દશ અને જૂનાગઢના વેપારીની બે ટ્રક ભંગારમાં વેંચી નાંખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.  આ ચકચારી પ્રકરણની વિગત એવી છે કે, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખુંભડી ગામે રહેતાં રાહુલ પ્રવિણગીરી મેઘનાથીએ નાઘેડી ગામના હરેશ ખિમજીભાઇ ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાય અનુસાર રાહુલગીરી જૂનાગઢમાં મોબાઇલ રિપેરીંગની દુકાની થકી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના નામે ટ્રક મોરબી ખાતે સિરામીક ઉદ્યોગમાં ચાલુ હોય જો કે મોરબી કામ બંધ થતાં બન્ને ટ્રક ફ્રી થયા હતાં. જે ગાડીના હપ્તા ચડતા હોવાથી બન્ને ટ્રક ભાડે મુકવા માટે મિત્ર હિતેષ અપારનાથી સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે મારી ગાડી હરેશ ખિમજીભાઇ ભટ્ટના કોન્ટ્રાક્ટમાં ચાલે છે. તમારે તેમાં મુકવી હોય તો કહેજો એટલે હું એગ્રી થયો અને પછી ઓક્ટોબર 2024 માં રાહુલગીરી અને હિતેષભાઇ બન્ને જૂનાગઢથી મોરકંડા પાટિયા પાસે આવેલ, આ દરમિયાન હરેશ ભટ્ટ સાથે મુલાકાત થઇ હતી અને આ દરમિયાન કોન્ટ્રાકટમાં ટ્રક મુકવાની વાત થઇ હતી.

પછી હરેશભાઇને કહ્યું કે મારી પાસે 10 વ્હીલવાળી ટ્રક છે અને 12 વ્હીલવાળી ટ્રક છે તમે શું ભાડું આપશો? આ દરમિયાન હરેશભાઇએ કહ્યું હતું કે મારો કંપનીમાં કોન્ટ્રાક્ટ છે અને હું તમારા ટ્રક ભાડે મુકી દઇશ તમારા 10 વ્હીલવાળા ટ્રકના 25000 અને 12 વ્હીલવાળા ટ્રકના 60,000 રૂપિયા દર મહિને ભાડુ આપીશ. આ અંગેનું લખાણ કરી દેવાની વાત કરી રાહુલગીરીને વિશ્વાસમાં લીધા હતાં. જેને પગલે રાહુલગીરી વિશ્રવાસમાં આવી 10 વ્હીલવાળી ટ્રક રજીસ્ટર નંબર જીજે-12-એડબલ્યુ-1257 તા.20-10-2024 ના રોજ હરેશ ભટ્ટને 25000 લેખે ભાડે આપ્યો હતો તેમજ 12 વ્હીલવાળો ટ્રક રજીસ્ટ્રર નંબર જીજે-12- એડબલ્યુ-6694 તા.23-10-2024 ના રોજ 60000 રૂપિયા લેખે ભાડે આપ્યો હતો અને લખાણની વાત કરતાં હરેશભાઇએ કહ્યું હતું કે હું હમણાં કામમાં છું ફ્રી થઇને લખાણ કરી આપીશ. ત્યારબાદ હરેશભાઇએ રાહુલગીરીને ફોન કરીને કહ્યું હતું કે તમારી 12 વ્હીલવાળી ગાડીમાં સીકંજો છે તે નહીં ચાલે તેને કાઢી તમારી ગાડીમાં ટેન્કર બેસાડવું પડશે જેનો 2.20 લાખ રૂપિયા ખર્ચો આપવો પડશે જે તાત્કાલિક મોકલો. જો કે આ દરમિયાન રાહુલગીરી પાસે રૂપિયા ન હોવાથી તેમણે રૂપિયાની વ્યવસ્થા કરી ફોન કરવાનું કહ્યું હતું. આ દરમિયાન હરેશભાઇએ રાહુલગીરીને કહ્યું હતું કે તો તમે તમારી ગાડી પાછી લઇ જાવ. આથી રાહુલગીરીએ એકાઉન્ટમાંથી 1.90 લાખ ચુકવી દીધા હતાં અને આ દરમિયાન એવું નક્કી થયું હતું તે ગાડીમાં જે સીકંજો છે તે વહેંચી રૂપિયા આવશે તે વધારાના વારી લેશે. ત્યારબાદ હરેશભાઇએ ફરિયાદી રાહુલભાઇની બન્ને ગાડીનું 85000 રૂપિયા પેટે એક મહિનાનું ભાડું આપ્યું હતું. બાદમાં ભાડા પેટે રૂપિયા ન આપતા રાહુલગીરીએ તેમને ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન આરોપી હરેશે કંપનીમાંથી બીલ ન આવ્યું હોવાનું કહ્યું હતું. ત્યારે પણ લખાણ બાબતે હરેશભાઇને કહેતાં તેમણે ટાઇમ મળે એટલે કરી આપું તેવી વાત કહી હતી. લાંબા સમય બાદ લખાણ કરી આપ્યું હતું જો કે લખાણ બાદ ભાડાના રૂપિયા ન આવતા રાહુલગીરીને ગંધ આવી ગઇ હતી.
આથી હરેશભાઇને વારંવાર ફોન કરતાં તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને એવું જાણવા મળ્યું કે હરેશભાઇએ ટ્રક કાંઇ ભાડે આપ્યા નથી અને કબાડી બજારમાં ભંગાવી નાંખ્યા છે. ત્યારબાદ રાહુલગીરી પોલીસ ફરિયાદ કરવા અર્થે પોલીસ મથકે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું આરોપી હરેશભાઇએ પિયુષભા ગીરીશભાઈ સંચાણીયા (રહે. ગોકુલનગર જામનગર) ના પણ કુલ ત્રણ ટેન્કર દર મહિને એક ટેન્કરના 70 હજાર રૂપીયા ભાડા પેટે કુલ રૂ.25,00,000 પડાવી લીધેલ હતાં. આ ઉપરાંત મહેશભાઇ મનસુખલાલ બકરાણીયા (રહે. આશીર્વાદ રીસોર્ટ પાછળ એકલીંગજી પાર્ક નાઘેડી તા.જી જામનગર) નામના વ્યક્તિ પાસેથી ટ્રકના 3,50,000 રૂપીયા પડાવેલ અને ત્યારબાદ હરેશભાઇએ તે ટ્રકમા ટેન્કર બેસાડવુ જોશે તેમ કહીને વધુ રૂપીયા 1,20,000 રૂપીયા પડાવી લીધેલ હતાં. બાદમાં હરેશભાઇએ 3,50,000/રૂપીયા ની જરૂર છે તેમ કહીને કુલ 8,20,000 રૂપીયા જેટલી માતબાર રકમ પડાવી લીધેલ હતી. તથા હિતેશભાઈ અરજણભાઈ પરમાર (રહે. રહે. આશીર્વાદ રીસોર્ટ પાછળ એકલીંગજી પાર્ક નાઘેડી તા.જી. જામનગર) નામના વ્યક્તિ પાસેથી ટ્રકના 3,35,000 અને 1,50,000 એમ કુલ 4,85,000 રૂપીયા પડાવી લીધા હતાં. આમ આરોપી હરેશભાઈ ભટ્ટે રાહુલપરીની માલીકીના કુલ બે ટ્રક રૂ.22,00,000 ના તથા મારા ટ્રકમા ટેન્કર બેસાડવા મારી પાસેથી લીધેલ રૂ.1,90, 000 તથા મારા ટ્રકમા લગાવેલ સીકંજો કી.રૂ. 70,000 નો મળી રાહુલપરી સાથે કુલ રૂપીયા 24,60,000અને અન્ય ત્રણ વ્યક્તિ પાસેથી કુલ રૂપીયા 38,05,000 મળી કુલ રૂપીયા 62,65,000 ની છેતરપિંડી કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે રાહુલગીરીની ફરિયાદના આધારે પંચકોષી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત આજ આરોપી હરેશ સામે સિટી એ ડિવિઝન પોલીસમાં વધુ એક ગુન્હો નોંધાયા છે. જેમાં દ્વારકાના ભાણવડ ખાતે મત્રી સોસાયટીમાં રહેતાં
રાજેશભાઈ નગાભાઇ છેતરિયા નામના યુવાને પણ આરોપી હરેશ ખિમજી ભટ્ટ સામે સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે મારો એક ટ્રક મિત્ર મુકેશભાઇની ઓળખાણથી હરેશ જે કોન્ટ્રાક્ટમાં વર્કઓર્ડર ચલાવતો હોય જેથી મેં વર્કઓર્ડરમાં લેબર કામ માટે આપ્યો હતો. ત્યારબાદ હરેશે રાજેશભાઇને કહ્યું કે મારી પાસે પાણીનું ટેન્કર છે જે મારા વર્કઓર્ડમાં ચાલે છે. તેનું માસિક ભાડું 80 હજાર આવે છે જે મારે વેચવું છે જે તમારે લેવું હોય તો કહો. જેથી રાજેશભાઇએ હરેશભાઇ પાસેથી ટેન્કર લીધું હતું. ત્યારબાદ આરોપી હરેશે બે મહિનાનું ભાડું આપ્યા બાદ અન્ય મહિનાનું ભાડું આપ્યું ન હતું. તેમજ અન્ય ટ્રક પણ ભાડેથી રાખવાનું કહી થોડા સમય ભાડું આપ્યા બાદ ટ્રકો બારોબાર વહેંચી નાખી ભંગારમાં કપાવી નાખી છેતરપિંડી કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ આ પ્રકરની પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *