રાજકોટ
જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા થોડાક દિવસ અગાઉ જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને આ મામલે વિરપુરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જોકે હવે આ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર ખાતે પહોંચ્યા હતા. જેના પાછલા બારણેથી તેઓ મંદિર પહોંચ્યા અને તુરંત ત્યાંથી રવાના પણ થઈ ગયા હતા. જેને લઈને ભક્તોમાં હાલ વધારે રોષનો માહોલ ફેલાયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર મંદિરે પહોંચ્યા હતા. જેમાં તેઓ પાછળના દરવાજેથી અંદર પ્રવેશ્યા અને તુરંત પછી ત્યાંથી નીકળી પણ ગયા હતા. એવી માહિતી સામે આવી છે કે તેઓએ પાછળના બારણેથી પ્રવેશીને માફી માંગી અને બાદમાં તેઓ ત્યાંથી રવાના પણ થઈ ગયા હતા. ખરેખરમાં તેઓ ક્યારે આવ્યા અને ક્યારે નીકળ્યા કોઈને એ વાતનો ખ્યાલ પણ ન આવ્યો.
સમગ્ર મામલે હાલ રઘુવંશી સમાજમાં તેમજ જલારામ બાપાના ભક્તોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. જલારામ બાપા ઉપર જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ભક્તોની લાગણી દુભાઈ હતી. અગાઉ પણ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને માફી માંગી હતી. ત્યારે આજે ફરી વાર તેઓ વિરપુર મંદિરમાં પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિરપુરમાં જલારામ બાપાના દર્શન કરીને તેઓએ ચાલતી પકડી હતી. જેમાં તેઓ મીડિયાથી પણ છુપાઈને નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેઓ વિરપુર મંદિરે પહોંચ્યા અને પછી ત્યાંથી પાછળના દરવાજેથી નીકળી ગયા હતા. જોકે તેમણે આપેલા વિવાદિત નિવેદનને લઈને હજુ પણ રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં રોષનો માહોલ છવાયેલો છે.