પત્ની પુત્રની હત્યા કરનાર પતિને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયો, પીએમ પેનલમાં સવારે 10 વાગે હત્યા થઈ હોવાનું અનુમાન

Spread the love

 

 

ગાંધીનગર

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં શ્રી રંગ નેનો સિટી-1માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણને કારણે પતિએ પોતાની પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરી પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પેનલ પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે આ હત્યા સવારના 10થી 11 વાગ્યાના ગાળામાં થઈ હતી, પરંતુ પાડોશીઓને સાંજે આ ઘટનાની જાણ થઈ હતી, એટલે કે દીકરા અને પત્નીની લાશ પડી રહી છતાં તેણે અડધો દિવસ ઘરમાં કાઢ્યો હતો. આઠેક કલાક તે ઘરમાં જ હતો. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે, પરંતુ એમાં લખેલી હકીકત પર શંકા વ્યક્ત કરી છે.

પોલીસે પતિ અને મૃત પત્નીના મોબાઇલ ફોન પણ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. ઉપરાંત બંનેના મોબાઈલના CDR પણ મગાવવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં બંનેએ કોની સાથે વાત કરી, ખાસ કરીને હરેશે હત્યાકાંડને અંજામ આપ્યા પછી કોઈને ફોન કર્યા કે નહીં એ જાણવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.

ગાંધીનગરના સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં આર્થિક સંકડામણમાં ડબલ મર્ડર અને આપઘાતના પ્રયાસનો બનાવ બન્યો છે. એમાં પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર હત્યારા પતિને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. બીજી તરફ માતા-પુત્રના આજે સવારે પેનલથી પોસ્ટમોર્ટમ કરાવતાં બંનેની હત્યા સવારના સમયે જ કરી દેવામાં આવી હોવાનું ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

પોલીસની તપાસમાં હરેશે પત્નીને ગળે ટૂંપો તેમજ પુત્રનું બોથડ પદાર્થ મારી બેડરૂમની તિજોરીના અરીસાએ માથું ભટકાવી નિર્મમ હત્યા કરી હતી. બાદમાં સુસાઇડ નોટ લખીને પોતે પણ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડીવાયએસપી ડીટી ગોહિલે જણાવ્યું હતું કે હરેશે લખેલી સુસાઇડ નોટ કબજે લેવામાં આવી છે, જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે મારે સુરેન્દ્રનગર મકાન લેવાનું હતું. સાળાના મકાનમાં રહીએ છીએ, શેરબજારમાં દેવું વધી જતાં મેં આ પગલું ભર્યું છે. મારાં સાસુ-સસરાને હેરાન કરતા નહીં. નોકરી સ્થળેથી પૈસા લેવાના હોવાથી એ પૈસાથી પત્ની-દીકરાનાં અંતિમસંસ્કાર કરજો.

બીજી તરફ સુસાઇડ નોટમાં લખેલી હકીકત પોલીસના ગળે ઊતરતી નથી, જેથી હરેશની પૂછપરછ કર્યા પછી જ સત્ય હકીકત બહાર આવી શકે એમ છે, કેમ કે પોલીસ તપાસમાં બંનેની હત્યા હરેશે સવારના 10થી 11 વાગ્યાના ગાળામાં કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાડોશીને સાંજે ખબર પડતાં સમગ્ મામલો સામે આવ્યો છે, એટલે મર્ડર કર્યા પછી હરેશ આખો દિવસ ઘરમાં પત્ની-પુત્રની લાશ જોડે રહ્યો હતો. તે બહાર ગયેલો કે નહીં એ જાણવા પોલીસે સીસીટીવી પણ ચેક કરવાનું શરૂ કર્યું છે.

તપાસમાં એ પણ સામે આવ્યું કે, “હરેશ બે-ત્રણ દિવસથી નોકરીએ પણ જતો નહોતો તેમજ તેને શેરબજારની પણ કોઈ ખાસ ખબર પડતી ન હતી. ઉપરાંત ગત રવિવારે હરેશને કોઈની સાથે ટેલિફોનિક માથાકૂટ થઇ હતી. એ પછી તે નોકરીએ જતો ન હતો તેમજ તેની પત્ની પણ રસોઇ બનાવવા જતી ન હતી. આવતા મહિને બંને જણા પુત્ર ધ્રુવની બાબરીની વિધિ કરવાનાં હતાં. જ્યારે બુધવારે પતિ-પત્ની એકલાં બાધા કરવા ધાર્મિક સ્થળે ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જોકે હરેશનું પોલીસ દ્વારા વિગતવાર નિવેદન લેવામાં આવે પછી જ સમગ્ર હત્યાકાંડની સાચી હકીકત સામે આવશે. હાલમાં પરિવારજનો માતા-પુત્રની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરી રહ્યાં છે.

ગાંધીનગરના કુડાસણ ઓમ એન્કલેવમાં રહેતા મૂળ ચૂડા તાલુકાના મોરવાડના વતની કિશોર મનસુખભાઈ વાળંદની બહેન આશાબેનના લગ્ન આજથી નવ વર્ષ અગાઉ સુરેન્દ્રનગરના અને હાલમાં સરગાસણ શ્રીરંગ નેનો સિટી-1 મકાન નંબર – આઇ/303 માં રહેતા હરેશ કનુભાઈ વાધેલા સાથે થયા હતા. આ લગ્નજીવનથી દંપતીને ચાર વર્ષનો દીકરો ધ્રુવ હતો. જ્યારે હરેશ સેક્ટર- 11 સુમન ટાવરમાં આવેલા એમ્પાયર હેર સલૂનમાં નોકરી કરતો હતો તેમજ આશાબેન અલગ અલગ જગ્યાએ રસોઇકામ કરતાં હતાં.

ગઈકાલે સાંજના પોણાછ વાગે પાડોશમાં રહેતાં નયન મોગડિયા ચાર્જિંગવાળો બલ્બ લેવા ગયાં હતાં અને ઘરનો દરવાજો ખોલતાં જ અંદરનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. આશાબેન અને તેમનો પુત્ર ધ્રુવ લોહીનાં ખાબોચિયાંમાં લથપથ હાલતમાં મૃત અવસ્થામાં પડ્યાં હતાં, જ્યારે હરેશ હાથે નસ કાપેલી બેભાન હાલતમાં હતો, જેને સારવાર અર્થે ખસેડવામાં સિવિલ લઈ જવાયો હતો. આ બનાવની જાણ થતાં જ એસપી રવિ તેજા વાસમશેટ્ટી, ડીવાયએસપી ડી. ટી. ગોહિલ, પીઆઈ વી. આર. ખેર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *