મુંબઈ
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાની નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજી વખત ICC ટાઇટલ જીત્યું છે. રોહિતની કપ્તાનીમાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પણ જીત્યો છે. ભારતીય ટીમે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો છે. ફાઈનલ પહેલા એવું લાગી રહ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા કદાચ વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. હિટમેને હવે ફાઈનલ બાદ નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. રોહિતે ખેલાડી તરીકે ચોથી ICC ટ્રોફી અને કેપ્ટન તરીકે બીજી ટ્રોફી જીતી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાની કારકિર્દી અંગેની તમામ અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે હજુ વનડે ક્રિકેટને અલવિદા કહેવાનો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસના સમયથી જ રોહિતની કેપ્ટનશીપ અને ટીમમાં તેના સ્થાનને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં તેની 76 રનની ઈનિંગ તેની કારકિર્દી માટે લાઈફલાઈન સાબિત થઈ. રોહિતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું ODI ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો નથી. કૃપા કરીને અફવાઓ ન ફેલાવો. ભવિષ્યની કોઈ યોજના નથી. જે પણ થઈ રહ્યું છે, તે ચાલુ રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની જીત દેશને સમર્પિત કરતાં રોહિતે કહ્યું કે, આ જીત સમગ્ર દેશની છે કારણ કે હું જાણું છું કે દેશ અમારી સાથે છે. જ્યારે તમે કોઈ પણ ટુર્નામેન્ટની ફાઈનલ જીતો છો, ખાસ કરીને ભારતમાં અમે જાણીએ છીએ કે અમે જ્યાં પણ રમીએ છીએ, અમને સંપૂર્ણ સમર્થન મળે છે.