સાબરકાંઠા (હિંમતનગર)
ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આગ્રા કેંટ-અસારવા રૂટ પર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન 15 માર્ચ 2025થી શરૂ થશે અને સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે. આગ્રા કેંટથી ટ્રેન દર સોમવાર, બુધવાર અને શનિવારે બપોરે 1:30 કલાકે ઉપડશે. તે બીજા દિવસે સવારે 4:05 કલાકે હિંમતનગર અને 5:45 કલાકે અસારવા પહોંચશે. અસારવાથી ટ્રેન મંગળવાર, ગુરુવાર અને રવિવારે સવારે 9:15 કલાકે ઉપડશે. હિંમતનગર 10:48 કલાકે પહોંચી, બે મિનિટનું રોકાણ કરી આગળ વધશે અને બીજા દિવસે સવારે 2:30 કલાકે આગ્રા કેંટ પહોંચશે. ટ્રેનમાં કુલ 24 કોચ હશે, જેમાં બે ગાર્ડ કોચ, એક સેકન્ડ એસી, ત્રણ થર્ડ એસી, 10 સ્લીપર કોચ અને આઠ જનરલ કોચનો સમાવેશ થાય છે. આ સેવા 15 માર્ચથી 31 માર્ચ અને 16 માર્ચથી 1 એપ્રિલ 2025 સુધી ઉપલબ્ધ રહેશે. ટ્રેન આગ્રા કેંટ, ફતેપુર સીકરી, બયાના, ગંગપુર સિટી, સવાઈ માધોપુર, કેશોરાયપાટન, બુંદી, માંડલગઢ, ચંદેરીયા, માવલી, ઉદયપુર સિટી, જાવર, ડુંગરપુર, હિંમતનગર અને અસારવા સ્ટેશનો પર રોકાણ કરશે.
