અમદાવાદ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ અને સમગ્ર કૉરિડોરના આર્થિક દ્રશ્યપટને પરિવર્તિત કરી રહ્યો છે, મુખ્ય શહેરોને એકસાથે જોડીને એક એકતાશીલ આર્થિક શક્તિ તરીકે વિકસાવી રહ્યો છે. આ હાઈ-સ્પીડ રેલ પહેલ માત્ર ઝડપી મુસાફરી વિશે જ નથી—એ વિકાસ, રોકાણ અને પ્રાદેશિક વિકાસ માટે પણ એક પ્રેરક બળ છે.આ પરિવર્તનના હૃદયસ્થાને અમદાવાદ છે, જે કૉરિડોર પરનું એકમાત્ર શહેર છે જ્યાં બે બુલેટ ટ્રેન સ્ટેશનો—સાબરમતી અને અમદાવાદ—આવેલા છે. આ સ્ટેશનો, આધુનિક આધાર મળખાના વિકાસ સાથે, વ્યાપારિક તકોને વધારશે, રોકાણને આકર્ષશે અને અમદાવાદને એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર બિંદુ તરીકે વધુ મજબૂત બનાવશે.
બંને સ્ટેશનો વ્યૂહાત્મક રીતે સ્થિત છે અને ભારતીય રેલવે, મેટ્રો નેટવર્ક અને બસ સેવાઓ સાથે સંપૂર્ણપણે સંકલિત થશે, જેથી સુગમ જોડાણ સુનિશ્ચિત થાય. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના પૂર્વ ભાગમાં આવેલી અદ્યતન સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ શહેરની ગતિશીલતાને વધુ સુચારુ બનાવશે, સુગમ પરિવહનને શક્ય બનાવશે અને સાથે જ વેપારિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપશે.આ સંકલિત પરિવહન ઇકોસિસ્ટમ આર્થિક વિસ્તરણ માટે એક મુખ્ય આધારરૂપ બનશે, જે અમદાવાદને મુંબઈ અને અન્ય મુખ્ય આર્થિક કેન્દ્રો સાથે અસરકારક રીતે જોડશે. અમદાવાદમાંથી પસાર થતો 26 કિમીનો બુલેટ ટ્રેન માર્ગ વ્યસ્ત વેપારી કૉરિડોરને જોડશે, જે વ્યાપાર અને ઉદ્યોગ માટે પ્રવેશ અને ગતિશીલતા વધારશે.પૂર્ણ થયા બાદ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર આંતરશહેરી પ્રવાસને નવી વ્યાખ્યા આપશે, પ્રવાસનો સમય ઘટાડશે અને ઝડપી, સલામત અને વધુ વિશ્વસનીય પરિવહનનો વિકલ્પ પ્રદાન કરશે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, તે નીચેના લાભો પણ આપશે:
• વ્યવસાયિક જિલ્લાઓ અને ઔદ્યોગિક વિસ્તાર સુધીની પહોંચ સુધારીને અમદાવાદની આર્થિક સંભાવનાને વધારશે.
• રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રાદેશિક રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.
• ટ્રાફિક ભીડ ઘટાડશે અને શહેરી ગતિશીલતામાં સુધારો કરશે, તેનાથી અમદાવાદ વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બની રહેશે.
• વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કરીને ભારતની વૈશ્વિક આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર માત્ર એક પરિવહન પ્રોજેક્ટ નથી—એ આર્થિક પ્રગતિનો પાયો છે, જે અમદાવાદના ભવિષ્યને ઘડશે અને તેને ભારતની વિકાસગાથાનું કેન્દ્રબિંદુ બનાવશે.
પ્રગતિની સ્થિતિ અને તકનિકી વિગતો:
અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 પર નિર્માણ પામી રહ્યું છે અને તેને લિફ્ટ, સીડીઓ અને એસ્કેલેટર દ્વારા કાલુપુર મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે. સ્ટેશનના મુખ્ય માળખાગત કાર્યો, જેમ કે કોંકોર્સ, રેલ અને પ્લેટફોર્મ સ્લેબ્સ, પૂર્ણ થવાની આરે છે, જ્યારે ફિનિશિંગનું કામ પ્રગતિમાં છે.
આ દરમ્યાન, સાબરમતી ટર્મિનલ સ્ટેશન, જે હાલના સાબરમતી રેલવે યાર્ડમાં સ્થિત છે, તેને ભારતીય રેલવે, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટોપ સાથે સંપૂર્ણપણે સંકલિત કરવામાં આવશે. સ્ટેશનના માળખાગત કામમાં સારી પ્રગતિ થઈ રહી છે, અને પ્લેટફોર્મ સ્તરનું નિર્માણ ચાલુ છે.
અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેનનો વાયડક્ટ 31 મહત્વપૂર્ણ ક્રોસિંગ્સને આવરી લેશે. આ માળખાં અત્યાધુનિક ઇજનેરી પદ્ધતિઓ જેવા કે સ્પાન-બાય-સ્પાન પદ્ધતિ (એસબીએસ), ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિ (એફએસએલએમ) અને સ્ટીલના પુલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે, જેથી કાર્યક્ષમ અને ઝડપી નિર્માણ સુનિશ્ચિત થઈ શકે.