ભાવનગર
ભાલ પંથકના સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે આવેલા નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થતાં મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાવળિયાળી ખાતે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે 20 માર્ચ 2025ના રોજ બાવળિયારી ઠાકર ધામ ખાતે એક અદ્ભુત અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય હુડો રાસ અને લાકડી રાસની રમઝટ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 70,000થી વધુ મહિલાઓ અને 10,000થી વધુ ગોપાલ ગૃપના ભાઈઓએ ભાગ લઈને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત હૂડો મહારાસ રમીને રેકોર્ડ સજર્યો હતો. ભરવાડ સમાજની ભાતીગળ સંસ્કૃતિનો દુનિયાને પરિચય કરાવતા આ આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ભરવાડ સમાજની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. એક વીડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે, બાવળિયાળી ધામ એ માત્ર એક ધાર્મિક સ્થાન નથી. આ ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની પ્રતિભૂમિ પણ છે. નગાલાખા ઠાકરની કૃપાથી આ પવિત્ર સ્થાનેથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણાનો અખૂટ વારસો મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આ ધામમાં શ્રી નગાલાખાના ઠાકર મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠાએ આપણે ત્યાં રૂડો અવસર છે. આ પ્રસંગને લઈને સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારેકોરથી આ કાર્યક્રમની વાહવાહી સાંભળું છું, ત્યારે મને પણ મનમાં એવું થઈ રહ્યું છે કે મારા જેવા વ્યક્તિએ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું જોઈએ. પરંતુ પાર્લામેન્ટ ચાલે છે અને ઘણા કામ હોવાથી નીકળી શકાય તેમ નથી. પરંપરાગત હૂડો મહારાસને લઈને પીએમ મોદીએ કહ્યું કે, આજે હજારો બહેનોએ પરંપરાગત હૂડી મહારાસ રમ્યો, આ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે વૃંદાવનને જીવંત કરી દીધું હોય. આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનો મેળ મનને પ્રસન્ન કરી દે છે. આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓ-બહેનોએ ભાગ લીધો અને આખાય પ્રસંગને જીવંત બનાવ્યો. આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ પાવન અવસરે મને સહભાગી થવાનો અવસર મળ્યો, મારી માટે ખુશીનો પાર નથી, મારા માટે આભારના શબ્દો ઓછા પડે. ઉપરથી મારે તો શ્રમા માંગવી પડે કે આવા પવિત્ર અવસરે હું ત્યાં આવી શક્યો નથી. પરંતુ જ્યારે એ બાજુ આવવાનું થશે ત્યારે હું માથું નમાવવા માટે આવીશ.