ઘણા લોકો જીવનભર સપનાનું ઘર બનાવવામાં વ્યસ્ત રહે છે, પણ કલ્પના કરો કે જો ૩૧ કરોડ રૂપિયાનું ભવ્ય ઘર ફક્ત એક નાની ભૂલને કારણે તોડી પાડવું પડે! ઇંગ્લેન્ડની એક મહિલાની સાથે આવું જ બન્યું, જેણે મહેનતથી આલીશાન મકાન તૈયાર કર્યું, પણ એક ટીવી શોમાં કરેલી એક વાતને કારણે કોર્ટ સુધી મામલો પહોંચ્યો અને અંતે ઇમારત તોડી પાડવાનો હુકમ આવ્યો.
શું છે સમગ્ર મામલો? અહેવાલ મુજબ, સારાહ બેનીએ ઈંગ્લેન્ડના સમરસેટ કાઉન્ટીમાં ૩૧ કરોડનું ભવ્ય ઘર બનાવ્યું, જેને “મીની-ડાઉનટન એબી” તરીકે ઓળખવામાં આવતું હતું. 220 એકરમાં આવેલું આ ઘર પારંપરિક જ્યોર્જિયન શૈલીમાં ડિઝાઇન કરાયું, જેમાં વૈભવી શયનખંડ, વિશાળ રસોડું, લાઈબ્રેરી, મનોરંજન માટે ખુલ્લી જગ્યા અને ટકાઉ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો.
ઘર તોડવાનો હુકમ શા માટે આવ્યો?
ચેનલના એક શોમાં જાણવા મળ્યું કે સારાહ બેનીએ બાંધકામની મંજૂરી વિના મકાનમાં મોટા ફેરફારો કર્યા હતા. તેમને જે પરવાનગી અપાઈ હતી, તેમાં 1970ના દાયકાના ફાર્મહાઉસને તોડી ને નવું મકાન બનાવવાની શરત હતી, પણ તેમણે જૂની ઈમારતને જ વિસ્તૃત કરી, જેના કારણે કાયદેસર કાર્યવાહી થઇ
અધિકારીઓનું ધ્યાન કેમ ગયું?
2024માં સારાહ બેનીએ ઘરની ભવ્યતા વિશે જાહેરમાં માહિતી આપી, જેમાં સોનાના શણગારવાળા ડાઇનિંગ રૂમ, વિશાળ ગાર્ડન, બોટહાઉસ અને સ્પોર્ટ્સ રૂમની વિગતો હતી. આ વાત વેરવિખેર થઈ અને પછી ફરિયાદો નોંધાઈ, જે કોર્ટ સુધી પહોંચી અંતે, ઘરને તોડી પાડવાનો આદેશ આવ્યો.