સુરત
ગુજરાતમાં પહેલી વાર કથિત RTI એક્ટિવિસ્ટ, જે RTI કરી બિલ્ડર અને સામાન્ય લોકો પાસેથી તોડ કરતા હતા, તેમની સામે ખાસ ઓપરેશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં 59 જેટલી ફરિયાદો કથિત RTI એક્ટિવિસ્ટ લોકો સામે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં 4 લોકોના પાસા પણ કરવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં કેસોની સંખ્યા અને પાસાની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. અત્યાર સુધીમાં 31 જેટલા લોકોની ધરપકડ પણ કરાઈ છે. સુરત પોલીસને અનેક વાર ફરિયાદ મળી હતી કે, શહેરના કેટલાક વિસ્તારમાં કથિત RTI એક્ટિવિસ્ટ એક્ટિવ છે. આ લોકો માત્ર માહિતી મેળવવાના અધિકારનો દુરુપયોગ કરી રહ્યા હતા પણ સાથે-સાથે લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પણ પડાવતા હતા. આ ફરિયાદમાં એક નામ સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાનું પણ સામેલ છે. તેઓએ એક લિસ્ટ પણ આપી હતી, જેમાં દર્શાવાયું હતું કે તેમના વિસ્તારમાં RTI એક્ટિવિસ્ટ બનીને કેટલાક લોકો પૈસા પડાવતા હતા. વારંવારની ફરિયાદ બાદ આખરે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP રાજદીપસિંહ નકુમને આવા અસામાજિક તત્ત્વો, જે RTI એક્ટિવિસ્ટ બનીને ફરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. સૂચનાના આધારે તમામ પોલીસ સ્ટેશનોમાંથી ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યાં સૌથી વધુ RTI કરી લોકો પાસેથી તોડ કરવામાં આવી રહ્યો હતો. પોલીસની કાર્યવાહી શરૂ થતાં, જે લોકો આ RTI એક્ટિવિસ્ટોથી ગભરાઈ ગયા હતા, તેઓ પણ સામે આવ્યા અને એક પછી એક ફરિયાદો નોંધાવા લાગી. આ દરમિયાન સુરત પોલીસે 45 દિવસની અંદર 59 જેટલી ફરિયાદો દાખલ કરી છે, અને 31 કરતાં વધુ આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે.
આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામના નામે કેટલાક કથિત RTI એક્ટિવિસ્ટ લોકો પાસેથી ખંડણી માંગતા હતા અને પૈસા પડાવતા હતા. આવા લોકો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 59 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને ચાર લોકોના પાસા કરવામાં આવ્યા છે. અમે લોકોને અપીલ કરીશું કે, તેઓ કોઈપણ ભય વગર પોલીસ પાસે આવે અને આવા ખંડણીખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે.તાજેતરમાં પોલીસ દ્વારા પાલિકા પાસેથી તમામ ઝોનમાંથી RTI એક્ટિવિસ્ટોની માહિતી મેળવી, જેમાં 90થી વધુ લોકોના નામો સામે આવ્યા. ખાસ કરીને 35થી વધુ લોકો એવા હતા, જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં 100થી 550 સુધીની અરજીઓ કરી હતી. આ એક્ટિવિસ્ટો ગેરકાયદે બાંધકામોની માહિતી મેળવી, પછી બાંધકામ કરનારા પાસેથી તોડ અને ખંડણી ઉઘરાવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કેટલીક જગ્યાએ પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ ગોટાળામાં સંડોાયેલા હતા.આ મામલામાં, સુરત મહાનગરપાલિકાના સર્વેયર વિભાગમાં કામ કરતી રૂબીના બેક પણ સંડોવાઈ હોવાની વિગતો સામે આવી છે. અઠવા પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ખુલાસો કર્યો કે રૂબીના બેક ગેરકાયદે બાંધકામોની અરજી અને નકશાઓ પોતાના પતિ અને ભાઈને આપતી હતી. આ માહિતીના આધારે તેઓ બાંધકામ કરનારાઓ પાસેથી તોડ ઉઘરાવતા હતા. ફરિયાદ નોંધાયાના એક મહિના બાદ પણ રૂબીના બેક અને તેનો પતિ હજુ પણ ફરાર છે.RTI એક્ટિવિસ્ટો ખાસ કરીને ગેરકાયદે બાંધકામોની માહિતી મેળવતા, જે બાદમાં તેઓ પાલિકા દ્વારા કાર્યવાહી કરાવવાની ધમકી આપી બાંધકામ કરનારા પાસેથી પૈસા પડાવતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ ગોટાળામાં સામેલ હતા.