ઠાકોર અને લઘુમતી સમાજના કલાકારોનું પણ સન્માન થવું જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય ખેડાવાલા
ગુજરાતના કેટલાક કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નહીં આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકાર પર કલાકારો સાથે ભેદભાવ કરી રહ્યાનો આરોપ લાગી રહ્યો છે.આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું છે. જેમાં તેમણે માંગ કરી છે કે,‘લોકગાયિકા ફરીદા મીર, ઓસમાણ મીરને પણ બોલાવવામાં આવ્યા નથી. ઠાકોર અને લઘુમતી સમાજના કલાકારોનું પણ સન્માન થવું જોઈએ.’ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સન્માન પણ થયું હતું. ત્યારે કેટલાક ગુજરાતી કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નહીં આપતા વિવાદ સર્જાયો છે.
આ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મામલે કહ્યું હતું કે, રાજ્યના તમામ કલાકોરોનું સન્માન થવા જઈએ અને ગુજરાત વિધાસભાની અંદર જે કલાકારો આવ્યા તેમનું સન્માન થયું હતું, તેનો અમને ગર્વ છે. આ ઉપરાંત ઘણાં એવા કલાકાર છે જેમનું સન્માન નથી થયું. ઠાકોર અને લઘુમતી સમાજના કલાકારોનું પણ સન્માન થવું જોઈએ. લોકગાયિકા ફરીદા મીર,ઓસમાણ મીર સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા નથી.’ ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતી કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારને બોલાવવામાં ન આવતાં અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.