રાજ્યમાં સબ-રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા વણવહેંચાયેલ મિલકતના દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ બદલાવ હાઇકોર્ટના તાજેતરના ચુકાદા અને કાયદા વિભાગની માર્ગદર્શિકાને આધારે લાવવામાં આવ્યો છે. ગુજરાતની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વણવહેંચાયેલી મિલકતોની તબદીલીના દસ્તાવેજોની નોંધણીમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, સહમાલિકોની સંમતિ વિના આવી મિલકતોની તબદીલીની નોંધણી કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી રેવન્યુ રેકોર્ડમાં તકરારી નોંધો અને જમીન હડપવાના કેસોમાં ઘટાડો થશે. સરકારના આ નિર્ણયથી દસ્તાવેજ નોંધણી કરનાર સબ રજિસ્ટ્રાર સામે મેળાપીપણાના આક્ષેપો પણ દૂર થશે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે કાયદા વિભાગનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જે મુજબ સહમાલિકની કોઈ ચોક્કસ હિસ્સાની તબદીલી થતી નથી, પરંતુ વણવહેંચાયેલ હિસ્સાની તબદીલી થાય છે. નવા નિયમો અનુસાર, રહેણાંક (ઘર) સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી કોઈ સહ હિસ્સેદાર પોતાનો વણવહેંચાયેલ હિસ્સો તબદીલ કરે તો દસ્તાવેજમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે, અને સબ રજિસ્ટ્રારે તેની ચકાસણી કરવી પડશે. દસ્તાવેજમાં સ્થાવર મિલકતની ચતુર્દિશાની વિગતો, વણવહેંચાયેલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનારના હિસ્સાની વિગતો અને રેવન્યુ રેકોર્ડના પુરાવાઓનો ઉલ્લેખ કરવાનો રહેશે.
મુખ્ય મુદ્દા:
રાજ્યમાં અનેક વખત સહમાલિકોની મંજૂરી વિના મિલકતની તબદીલીના દસ્તાવેજો નોંધાતા હોય છે, જે બાદમાં રેવન્યુ રેકોર્ડમાં વિવાદો સર્જાતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે, કાયદા વિભાગે સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે.
ચોક્કસ હિસ્સાની તબદીલી નહીં થાય:
જો કોઈ સહમાલિક પોતાની મિલકતનો હિસ્સો વેચવા માંગે, તો તે માત્ર “વણવહેંચાયેલ હિસ્સો” જ વેચી શકશે. ચોક્કસ ભાગ (Plot/ Portion) નહીં.
નવી નોંધણીની પ્રક્રિયામાં મિલકતની ચાર બાજુની સંપૂર્ણ વિગતો ફરજિયાત રહેશે.
કાયદેસર હિસ્સાની ચકાસણી અનિવાર્ય:
દસ્તાવેજ નોંધતી વખતે, સબ-રજીસ્ટ્રારે તપાસ કરવી પડશે કે વેચનાર પોતાનો કાયદેસર હિસ્સો જ વેચે છે કે નહિ.
રેવન્યુ રેકોર્ડ (7/12, 8-A, માલિકી હક્કના દસ્તાવેજો)ની ચકાસણી કરવી પડશે.
માલિકીની સ્પષ્ટતા જરૂરી:
દસ્તાવેજમાં એ સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે કે દસ્તાવેજધારકને સંપૂર્ણ કબજો નહીં, પણ સહ-માલિકીના હકો મળશે.
જે કિસ્સામાં હિસ્સો સ્પષ્ટ ઉલ્લેખિત ન હોય, ત્યાં સમાન પ્રમાણમાં વહેંચણી થશે.