અમદાવાદ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SVP હૉસ્પિટલમાં કચ્છનો એક દર્દી દાખલ થયો હતો. દાખલ થયો તે સમયે તેને પૂછવામાં આવે છે કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? દર્દી હા પાડે છે બાદમાં તેની સારવાર શરુ કરવામાં આવે છે અને બાદમાં તબીબ કહે છે કે, તમારો પગ કપાવવો પડશે. બાદમાં દર્દી અન્ય કોઈ તબીબને કાગળ બતાવે છે તો ત્યાં કહેવામાં આવે છે કે, લેસ સર્ક્યુલેશન ઑફ બ્લડ છે. સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તો પગ કાપવાની જરૂર નહીં પડે. આ ઘટસ્ફોટ બાદ દર્દી SVPમાંથી રજા માંગે છે અને કહે છે કે, મારે પગ નથી કપાવવા. ત્યારે હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, તો તમારે 35 હજાર ભરવા પડશે. દર્દી કહે છે કે, મારી પાસે તો આયુષ્યમાન કાર્ડ છે તો હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, એ તો તમે પગ કપાવો તો મફત સારવાર થાય જો પગ ન કપાવો અને અધુરી સારવારે રજા લેવી હોય તો તમારે 35 હજાર રૂપિયા ભરવા પડશે.
આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલા બની હતી. પરંતુ, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દા વિશે વાત કર્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ વિશે વાત કરી સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના અમલીકરણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, શું આ પ્રકારે આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરવામાં આવશે? CEOએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગંભીર અકસ્માત થતા દર્દી કચ્છથી સારવાર માટે આવ્યા હતા. અકસ્માતથી ઇજા થઈ હતી માટે દર્દીને રાજ્ય સરકાર રોડ સેફ્ટી એક્ટ મુજબ રૂ 12 હજારનું બિલમાં કન્સેસન આપ્યું હતું. દર્દી પાસે આયુષ્માન કાર્ડ નહોતું, બાદમાં આયુષ્માન કઢાવ્યું હતું. ડોક્ટરની સલાહ મુજબ ઇજા વધુ હોવાથી પગની સર્જરી કરવી પડે તેમ હતી. સર્જરી માટે કહેતા દર્દી અને તેના સગાએ ના પાડી ડિસ્ચાર્જ લીધું હતું, જે સમયે રૂ 18 હજાર બિલ સેલ્ફ કેરમાં સારવાર લીધી તેનું આપ્યું હતું.