અમેરિકામાં રહેતા દંપતીએ અમદાવાદના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં દંપતીએ વેપારીની બનાવટી સિગ્નેચર કરી બોર્ડ ઓફ રીઝોલ્યુશન બેંકમાં રજૂ કર્યું હતું, બાદમાં તેના ખાતામાંથી કુલ 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી વેપારીએ સીઆઈડી ક્રાઈમમાં આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ
શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અને વલાદ તાલુકો ગાંધીનગર ખાતે વર્ષ 2021થી મશીનરીના પાર્ટ્સ બનવાનો વ્યવસાય કરતા વેપારીએ પોતાના ધંધામાં પાર્ટનર તરીકે મૂળ સાણંદના રહેવાસી અને હાલ અમેરિકાના સીટીઝન એવા અબુ બકર મેમણ અને તેની પત્ની સુચિત્રા અબુ બકર મેમણને ભાગીદાર તરીકે રાખ્યા હતા. દંપતીએ વેપારીનો વિશ્વાસ કેળવીને તેમની જાણ બહાર વેપારીની બનાવટી સિગ્નેચર તથા અન્ય દસ્તાવેજો બેંકમાં રજૂ કરીને કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવી દીધું અને પત્નીના નામનો ઉમેરો કરીને કંપનીના એકાઉન્ટમાંથી ગત વર્ષે 83 લાખ રૂપિયા દંપતીએ પોતાના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. વેપારીએ ઘણી વખત રૂપિયા માંગવાનો પ્રયાસ કર્યો પરંતુ દંપતી વારંવાર કોઈને કોઈ બહાના બતાડતા હોવાથી સાબરમતીના વેપારીએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવને લઈને વિગતવાર વાત કરીએ તો, સાબરમતી વિસ્તારમાં હિરાજૈન સોસાયટીમાં રહેતા બિરવ શાહ (ઉ.41) સંયુક્ત પરિવારમાં પત્ની સાથે રહે છે. વર્ષ 2021માં બિરવ ભાઈએ ગાંધીનગરના વલાદ ખાતે એરો સ્પેસ ગ્રાઉન્ડ સપોર્ટની મશીનરી બનાવવાનો વ્યવસાય કરે છે. ગત વર્ષ 2019 બિરવ ભાઈની મુલાકાત અબુ બકર સાથે થઈ હતી ત્યારબાદ બંને વચ્ચે ધંધાકીય સંબંધો વિકસ્યા અને બિરવ શાહે અબુ બકરની અમેરિકામાં આવેલી કંપની સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. લગભગ ત્રણ વર્ષ સુધી બિરવ શાહ અને અબુ બકરની વચ્ચે ધંધાકીય લેવડ-દેવડ સારી રીતે ચાલતી હતી.
પરંતુ બાદમાં ધંધો સારો ચાલવા લાગતા એક દિવસમાં 25 લાખની જ હેરફેર બેંકમાં થતી હતી. તેથી બંનેએ નક્કી કરીને કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ધંધાની લેવડ-દેવડમાં પારદર્શિતા રહે તે માટે થઈને બેંકમાં ઈ-મેઈલ એડ્રેસ અબુ બકરનો આપ્યો હતો. અને મોબાઈલ નંબર બિરવ શાહની પત્નીનો આપ્યો હતો. ત્યારબાદ દંપતીની નિયત બગડતા વેપારી બિરવ શાહના બનાવટી સિગ્નેચર કરીને કંપનીનું બનાવટી બોર્ડ ઓફ રીઝોલ્યુશન બનાવીને બેંકમાં રજૂ કરી દીધું અને કોર્પોરેટ બેંક એકાઉન્ટમાં પોતાની વિગતો અને મેઈલ એડ્રેસ આપી દીધા હતા. વર્ષ 2024 એપ્રિલ મહિનામાં અબુ બકર મેમણ તેની પત્ની સુચિત્રા અબુ બકર મેમણ ધંધાની મીટીંગનું બહાનું કાઢીને દુબઈ ફરવા જતા રહ્યા હતા. દુબઈમાં બેઠા-બેઠા એપ્રિલ અને મે મહિનાના ટૂંકા ગાળામાં દંપતીએ ભાગીદારીની કંપનીના બેંક એકાઉન્ટમાંથી 83 લાખ રૂપિયા બે મહિનામાં પોતાના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.