વડોદરા
13 માર્ચ, 2025 હોળીની રાત્રે વડોદરામાં નશો કરી પૂરપાટ ઝડપે કાર દોડાવી રક્ષિત ચૌરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7ને ઈજા થઈ હતી. ઘટના બની ત્યારે કારચાલક રક્ષિત ચૌરસિયા સાથે આગળની સીટ પર બેઠેલો તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ તેનો કોઈ વાંક નથી કહી ભાગી ગયો હતો. અકસ્માત કર્યા પછી પણ રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ એવી બૂમો પાડી હતી. પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયાની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.
આ ઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંશુના મોબાઈલની MY VW એપ્લિકેશન સાથે કનેક્ટ હતું. જેથી પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારની સ્પીડ 130થી વધારે હોવાનું જાણવા મળ્યું છે. વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા એડ વિસ્તારમાં આવેલા વોક્સ વેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું. કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા હતા. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. જર્મની ખાતે આ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વડોદરા પોલીસને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વોક્સ વેગન કંપનીએ પોલીસને સોંપેલા રિપોર્ટમાં રક્ષિતની કારની સ્પીડ 130 કિ.મીથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. રક્ષિત ચૌરસિયાએ જે કારાથી અકસ્માત કર્યો, એ કારનો ડાયગ્નોસીસ રિપોર્ટ મેળવવા પોલીસ કુરચો વળી ગયેલી કારને વોક્સ વેગન કંપનીમાં મોકલી આપી હતી. કારમાં ECU (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ) હોય છે. જેમાં કારના દરેક ઇલેક્ટ્રીકલ પાર્ટસના ડેટા સ્ટોર થતા હોય છે. ડેટા સ્ટોર કરવા માટે એક ઇલેક્ટ્રીકલ મોડ્યુલ હોય છે. એરબેગનું ક્રેપ સેન્સર હોય છે. જેનો ડેટા ECUમાં રેકોર્ડ થતો હોય છે. આ ડેટા મેળવવાનો ઍક્સેસ ડીલરશીપ લેવલથી મેળવવો શક્ય નથી હતો. આ ડેટા મેળવવાનો ઍક્સેસ મેન્યુફેચરીંગ પ્લાન્ટ પાસે હોય છે. જેથી કારને કંપનીમાં મોકલવામાં આવી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી કારને વડોદરાના નવા યાર્ડ ખાતે આવેલ વોક્સ વેગન કંપનીના શો રૂમ ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં સતત ત્રણ દિવસ સુધી 3 શિફ્ટમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ પહેરો ભર્યો હતો અને કારની સુરક્ષા કરી હતી. વડોદરામાં હોલિકા દહનની મોડી રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી કારચાલકે આઠ લોકોને ઉડાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં હાલમાં આરોપી રક્ષિત ચૌરસિયા જેલમાં છે અને તેના મોઢાના ભાગે ઈજાઓ હોવાથી સારવાર ચાલી રહી છે. ત્યારે 26 માર્ચએ આરોપી રક્ષિત ચૌરસિયાને પોલીસ જાપ્તા સાથે સયાજી હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેને જડબાના હાડકામાં ડાબા ભાગે ફેક્ચર હતું એની સર્જરી કરવામાં આવી હતી. સાંજે હોસ્પિટલમાંથી રક્ષિતને ડીસ્ચાર્જ કરાતા જેલહવાલે કરાયો હતો.