અમદાવાદ
હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. વસ્ત્રાલની ઘટનાના એવા પડઘા પડ્યા કે આખા રાજ્યમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વસ્ત્રાલ જેવી ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે પોલીસ એકશનમાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન હાથ ધરી વાહનચેકિંગ અને પીધેલાઓને પકડવા શંકાસ્પદ વાહનચાલકોના બ્રેથ એનેલાઈઝરથી ટેસ્ટ કરાયા હતા. બે દિવસમાં કુલ 137 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં 66 જેટલી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હજી પણ આગામી દિવસોમાં શહેરમાં ગુનેગારોને જળમૂળથી દબાવી દેવા અને તે ફરીથી માથું ન ઉચકે તે માટે ખાસ પોલીસ કમિશનર દ્વારા તૈયાર કરાયેલા પ્લાન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર એકસાથે શહેરના ગુનેગારોની દમ પરેડ કરી હતી જેમાં ગુનેગારોને કડક શબ્દો અને પોલીસની ભાષામાં સમજાવી દેવામાં આવ્યું કે કોઈ બદમાશી થઈ તો કોઈને છોડવામાં નહિ આવે. અમદાવાદ શહેર પોલીસે બે દિવસની ડ્રીંક એન્ડ ડ્રાઈવ રાખી હતી. જેમાં બે દિવસમાં 137 લોકો સામે આખા શહેરમાં કાર્યવાહી કરવામાં આવી છે અને ફરિયાદ નોંધવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં પીને ગાડી ચલાવી રહેલા લોકો સામે શહેર પોલીસ દ્વારા બ્રેથ એનલાઈઝર થી ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી આજે પણ અમદાવાદ શહેરમાં આ પ્રકારની પોલીસની કામગીરી ચાલુ રહી હતી. દિવ્યભાસ્કરની ટીમને આજે સેટેલાઈટ વિસ્તારમાં આવી ડ્રાઇવની રિયાલિટી ચેક કરતા પોલીસ દ્વારા આમથી લઈને ખાસ તમામની ગાડીઓ ચેક કરી હતી તમામને બ્રેથએનેલાઇઝરથી તપાસવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડ્રાઈવ માત્ર બે દિવસની નહીં પરંતુ અગામી દિવસોમાં પણ શહેરના રસ્તા પર મોડી રાત સુધી આ રીતે વાહન ચેકિંગ અને પીધેલાઓને પકડવા માટેની ઝુંબેશ ચાલુ રહેવાની છે. કોઈ પણ ગુનેગાર કોઈપણ રીતે છટકી ન શકે તે માટે પોલીસને કડક રીતે કામગીરી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.