સુરત
નોટબંધી અને કોરોના કાળને કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આગામી 30 માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યાં છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્નકલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વીડિયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે, ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ, 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે “રત્નકલાકાર એકતા રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે, સરકારની સાથે-સાથે હીરા ઉદ્યોગકાર પણ રત્નકલાકારોની પરિસ્થિતિ સમજે અને આગળ આવે તે જરૂરી છે. આ માટે એક દિવસના બદલે 10 દિવસ પણ હડતાલ કરવી પડે તો તૈયારી રાખજો. કારણ કે, કોરોનાકાળમાં આપણે ત્રણ મહિના સુધી ઘરે બેઠા હતા. જ્યારે હાલમાં આપણું અને આપણા પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન છે. ત્યારે તમામ એકજૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે.
હીરા ઉદ્યોગના રત્નકલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ કરે એવી માગ સાથે 30 માર્ચ, 2025ના રોજ અહિંસક સ્વયંભૂ હડતાલમાં જોડાશો. કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી રત્નકલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી. મોંધવારી દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે રત્નક્લાકારોના પગાર વધવાને બદલે ઘટી રહ્યા છે. ત્યારે રત્નકલાકારો માટે બેંકની લોનના હપ્તા ભરવા, બાળકોની શિક્ષણ કી ભરવી, મકાનના ભાડા ભરવા અને પોતાના પરિવારનું ઘર-ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે, જેથી આપણે હવે હડતાલ પાડવાનું નક્કી કર્યું છે. ભાઈઓ જેમાં તમારે સાથ સહકાર આપવાનો છે. કેમ કે તમારો સાથ સહકારથી જ મજબુત સંગઠન બનશે અને આપણી એકતા જ આપણી શક્તિ છે.
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે. પગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. જો સરકાર રત્નકલાકારોની માગણીઓનો વિચાર નહીં કરે તો હડતાલના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે. રાજ્ય સરકાર દ્વારા બે દિવસમાં એક્શનપ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. રત્નકલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.
ડાયમંડ વર્કર યુનિયની માંગણીઓ :
રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો,
રત્નકલાકારોને આર્થિક પેકેજ જાહેર કરો
મોંઘવારીને ધ્યાને રાખીને 30% પગાર વધારો કરો
હીરાઉદ્યોગમાં મજુર કાયદાનુ ચુસ્તપણે પાલન કરો
ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના કરો
રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો
આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો
રત્નદીપ યોજના જાહેર કરો.