રાજકોટ
રાજકોટમાં ગુરૂદ્વારામાં માલ જોઈએ છે કહી તેલ અને ઘીના વેપારી સહિત ચાર વેપારી પાસેથી સીમરસીંગ નામના શખ્સે રૂ.6.41 લાખનો માલ મંગાવ્યો હતો. જેના બદલે તેણે આપેલા ચેક રીટર્ન થતા પ્રદ્યુમનનગર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે કોઠારીયા રોડ પર આનંદનગર કોલોની કવાર્ટરમાં રહેતો અને શાપરમાં ગુલાબ ઓઈલ એન્ડ ફુડસ પ્રા.લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં અલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ કોટેચા (ઉં.વ.38)ની ફરિયાદ પરથી સીમરસીંગ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અલ્પેશભાઈએ પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 17 માર્ચના રોજ આરોપી સીમરસીંગે તેને ફોન કરી રૂ.3,24,135ની કિંમતના 147 તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો. માલ પહોંચ્યા બાદ ચેકથી પેમેન્ટ આપવાની વાત કરતા તેણે 18 માર્ચના માલ ભરાવી વાહન બીલ સાથે તેને આપેલા ગુરૂદ્વારા ખાતે મોકલ્યો હતો. જ્યાં ગુરૂદ્વારાના ગેઈટ પાસે માલ ઉતાર્યા બાદ આરોપીએ વાહનના ડ્રાઈવરને બીજા દિવસ 19 માર્ચના ચેક આપ્યો હતો અને તે ચેક 20 માર્ચના નાખજો એટલે તમારૂ પેમેન્ટ મળી જાશે તેમ કહ્યું હતું. 20 માર્ચના ચેક નાખતા તે રિટર્ન થતા તેણે આરોપીને કોલ કર્યો હતો. પરંતુ તે બંધ આવતો હોવાથી તે અન્ય લોકો સાથે ગુરૂદ્વારાએ જઈ ટ્રસ્ટીને મળી વાત કરતા તેણે કોઈ તેલના ડબ્બા મંગાવ્યા ન હોવાનું અને આરોપીએ તેની ઉપરાંત અન્ય ઘીના વેપારી સાથે પણ ઠગાઈ કર્યાનું જણાવ્યું હતું. બાદમાં ઘીના વેપારી અજીતભાઈ સુરેશભાઈ વસદાણી પાસેથી પણ આરોપીએ રૂ.1,52,500ની કિંમતનું 250 લીટર ઘી, બીજા ડિલર પરાગ જયંતીલાલ સુચક પાસેથી 1,64,700ની કિંમતનું 270 લીટર ઘી ગુરૂદ્વારા મોકલતા તેને પણ ચેક આપ્યાનું જાણવા મળતા ત્રણેયે ગુરૂદ્વારામાં જઈ તપાસ કરતા સીમરસીંગ નામનો શખ્સ ગુરૂદ્વારામાં સેવક કે ટ્રસ્ટી નહી હોવાનું અને તેણે ગુરૂદ્વારામાં ઘી-તેલ જોઈએ છે, તેવી ખોટી વાતો કરી છેતરપિંડી કર્યાનું ખુલતા ફરિયાદ નોંધાવી હતી.