ગાંધીનગર
ગાંધીનગરમાં છેલ્લા 12 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે. જેમાં 2200થી વધુ કર્માચીઓને નોકરીમાંથી છુટા કરાયા છે. આરોગ્યકર્મીઓની હડતાળને લઇ સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાઇ છે. તેમ છતાં કર્મચારીઓએ હડતાળ ન સમેટતાં સરકારે હવે મોટુ પગલું ભરવાની તૈયારી કરી છે અને કર્મચારીઓને આજે બપોરે 12 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો કર્મચારીઓ હડતાળ નહીં સમેટે તો સરકાર કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાતનાં આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં હરિયાણાના આરોગ્ય કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો છે.
17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ટસના મસ થવા તૈયાર નથી, તો બીજી તરફ સરકારે પણ કડક વલણ અપનાવીને 2200થી વધુ કર્મચારીઓને છુટા કરી દીધા છે અને પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સરકાર દ્વારા આજે બપોરના બાર વાગ્યા સુધી કર્મચારીઓને ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. જો કર્મચારીઓ હાજર નહીં થાય તો છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરી દેવાનો તખ્તો સરકાર દ્વારા ઘડી દેવાયો છે. જોકે, કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર પણ થઇ ગયા છે.
આ અંગે આરોગ્ય મહાસંઘ પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા 25 જિલ્લાના કર્મચારીઓને ટર્મનેટ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અમારે નામ પૂરતી બેઠક નથી જોઈતી. નિર્ણાયક બેઠક જોઈએ છે. આ વખતે અમે છેક સુધી લડવા તૈયાર છીએ. 33 જિલ્લામાં 2200 જેટલા કર્મીઓને ટર્મનેટ કરાયા છે, હું પણ ટર્મીનેટ છું. આજે બાર વાગે ઓલ ગુજરાતનાં કર્મીઓને ટર્મીનેટ કરવાનું સરકારે કહ્યું છે.
રણજીતસિંહ મોરીએ વધુમાં જણાવ્યું કે, એસ્મા 19 તારીખે લાગ્યો, 24 તારીખે 2200ને ટર્મીનેટ કર્યા. પાછું બે દિવસ વિરામ લીધો ને ફરી ઓર્ડર શરૂ થયા. એટલે ટુકડે ટુકડે ટર્મીનેટ કરે છે. આ વખતે અમે નક્કી કરીને આવ્યા છીએ કે અમારો હક્ક, જૂની માંગણી છે લઈને રહીશું. અમે મળવાપાત્ર માંગ કરી રહ્યા છીએ. ગઈ વખતે પણ આંદોલન પૂરું કરાવીને સરકારે બેઠકની વાત કરેલી. જેમાં કોઈ નિરાકરણ આવેલું નહીં. આ વખતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. સરકાર સહાનુભૂતિ દાખવે અને અમારી માંગ સ્વીકારે.
ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યકર્મચારીઓએ જે માગણીઓ આપી હતી એમાંથી એક માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય. એ બાબતે સરકાર પણ કડક જ છે. કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.
આરોગ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. તેમને હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર સાંખી લે એમ નથી. વર્ષ 2021માં પણ કર્મચારીઓએ હડતાળ કરી હતી ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરીને તેમના કેટલાક મુદ્દાઓનું નિવારણ લાવ્યું હતું, એટલે ચર્ચાના અંતે કોઇપણ વસ્તુનું નિવારણ આવતું હોય છે.
મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્યકર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી હતી.