ભુજ
ભુજ શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ન્યુસ્ટેશન રોડ પર આવેલા દર્શન ઓટોની સામેના ગેરેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સવારે 7:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં આ અંગેનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ગોડાઉનમાં રાખેલા ત્રણ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા સાથે પાછળના ભાગે આવેલા રહેણાક વિસ્તારમાં આગ ફેલાતી અટકાવી હતી. આ બચાવ કામગીરીમાં ડ્રાઇવર જીગ્નેશ જેઠવા અને ફાયરમેન સુનિલ મકવાણા, યશપાલસિંહ વાઘેલા તથા કમલેશ મતીયાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં દુકાનો, મકાનો, ખુલ્લા પ્લોટ વિસ્તાર, બાવળની ઝાડી અને વાહનોમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.