ગત શનિવારે ભરૂચમાં દૂધધારા ડેરી નજીક ABC કંપની જવાના રસ્તાની બાજુમાં ગટરમાંથી શ્વાન કોઇ અજાણ્યા પુરુષનું માથું ખેંચી લાવ્યું હતું, જેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન બીજા દિવસે રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળ્યો હતો. એ બાદ સોમવારના રોજ ડાબો હાથ મળ્યો તેમજ મંગળવારે જીએનએફસી તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી ગટરની અંદરથી કપડાંની થેલીમાં કાળા કલરના પ્લાસ્ટિકમાં લપટાયેલો ધડનો ભાગ મળ્યો હતો.
બીજી તરફ ભરૂચ શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલી વેદાંત સોસાયટીમાં રહેતો સચિન પ્રવીણસિંગ ચૌહાણ ગુમ થયો હોઇ તેના નાના ભાઈ મોહિત ચૌહાણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સી ડિવિઝનમાં મળેલા મૃતદેહના હાથના ટેટુ તથા દાંતની સારવારની નિશાનોના આધારે આ અંગો સચિન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. માનવ અવયવો કોઇ તીક્ષ્ણ હથિયારથી કપાયેલા હોવાથી મરણજનારના ભાઇએ પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં સચિનના મિત્ર એવા શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો ઉપર શંકા વ્યક્ત કરી હતી. જેથી તેઓ વિરૂદ્ધમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી.
ભરૂચ મર્ડર મિસ્ટ્રીના આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ ગુનો સત્વરે શોધી કાઢવા, DYSP સી.કે.પટેલ, LCB પી.આઈ.,સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. LCB PI એમ.પી.વાળા દ્વારા ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી માથાનો ભાગ મળેલા તેની આસપાસના 90 જેટલા CCTV ફુટેજ એકત્રિત કરી તેમજ અન્ય પુરાવાઓ મેળવવા અલગ અલગ ટીમો બનાવી હતી. અન્ય ટીમોને હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરાઈ હતી. પોલીસની ટીમો દ્વારા પ્રયત્નો ચાલુ હતા. દરમિયાન સતત ત્રણ દિવસ ભરૂચ GIDCની કાંસની ગટરમાં અલગ-અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતાં રહ્યાં હતાં.
આ અંગે ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેક્નિકલ સર્વેલન્સ આધારે શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં જાણવા મળી હતી. જેથી LCB PSI આર.કે. ટોરાણીની ટીમને તાત્કાલિક દીલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તરપ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખી હતી. શકમંદને UPના બિજનૌર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી શૈલેન્દ્રને ભરૂચ લાવી વધુ પૂછપરછ હાથ ધરતા આટલી હદે ઘાતકી હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટા મૃતક સચિને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી.
ફોટા ડિલિટ કરવા બાબતે તકરાર થઈ
હત્યારા શૈલેન્દ્ર ચૌહાણે સચિનના નામે પોતે લોન પણ લીધી હતી, જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભાજોડી થતી રહેતી. સચિનના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલિટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી.
ગળે છરી મારી હત્યા કરી નાખી
હત્યારા શૈલેન્દ્રએ સચિનને 24 માર્ચે તેના તુલસીધામ ખાતેના ઘરે જમવા બોલાવ્યો હતો. બન્ને રાતે સૂઈ ગયા બાદ સચિનનો મોબાઈલ મેળવી આરોપીએ એમાં રહેલા પોતાની પત્નીના ફોટા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે સચિન જાગી જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચિનને ગળે છરી મારી હત્યા કરી નાખી હતી. બાદમાં તે નોકરી પર ગયા બાદ બહારથી ખરીદી લાવેલી કરવતથી સચિનની લાશના અલગ-અલગ 9 ટુકડા કર્યા હતા. પોતે પકડાઈ ન જાય તેમજ પોલીસને ગુમરાહ કરવા આરોપીએ હવે તેનો ખેલ શરૂ કર્યો હતો. સચિનનું માથું, ધડ, પેટ, બે હાથ અને બે પગના કરેલા 9 ટુકડા તેને પ્લાસ્ટિકની ગારબેજ બેગમાં ભરી નિકાલ કરવાનું શરૂ કર્યું હતું.
સ્ત્રીનો વેશ ધારણ કરી શરીરનાં અંગોનો નિકાલ કર્યો
શૈલેન્દ્ર સ્ત્રીનો વેશ ધારણ કરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો હતો. ભરૂચ GIDCમાં આવેલા અલગ અલગ કાંસના ત્રણ જેટલાં લોકેશન પર એક બાદ એક માનવ અંગોનો નિકાલ કર્યો હતો. બીજી તરફ હત્યારાએ સચિનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો, જેના થકી તે વતનમાં રહેલી સચિનની પત્ની અને ભાઈને વ્હોટ્સએપ મેસેજ કરતો હતો, જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગલુરુ જાય છે, તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેને તેની પત્ની ગમતી નથી. તે છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા માગે છે તેમ કરીને પરિવારને પણ ગેરમાર્ગે દોરતો હતો.
સચિનનું માથું મળતાં જ હત્યારો ફરાર થઈ ગયો
આ તરફ મૃતક સચિનના ભાઈને ખબર પડતાં તે ભરૂચ દોડી આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પણ હત્યારો મિત્ર સાથે સચિનના ગુમ થયાની ફરિયાદ આપવા આવ્યો હતો. જોકે પોલીસે તેને પૂછતાછ માટે બોલાવતા અને ગટરમાંથી સચિનનું માથું મળતા જ હત્યારા શૈલેન્દ્રએ તેનો મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થયો હતો. ટ્રેનમાં તે ઉત્તરપ્રદેશ જવા નીકળી ગયો હતો. સાથે જ સચિનનું પોતાની પાસે રાખેલું ATM કાર્ડ પણ પોલીસને ગુમરાહ કરવા ટ્રેનમાં છોડી દીધું હતું.
સચિનના નામે આરોપીએ 4 લાખની લોન લીધી હતી
સચિન શૈલેન્દ્રનો કોલેજકાળથી મિત્ર હતો. બન્ને ભરૂચ ખાતે 10 વર્ષથી રહેતા હતા. દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા. બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા. જેમાં મરણ જનાર સચિનના નામે આરોપીએ પોતે રૂપિયા 4 લાખની લોન લીધી હતી. જેના હપ્તા બાબતે બંને વચ્ચે તકરાર થતી રહેતી. મૃતકના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા હતા. જે ડિલીટ કરવા બાબતે પણ બંને વચ્ચે તકરાર થતી રહેતી. 24 માર્ચે મરણ જનાર સચિન આરોપીના ઘરે આવ્યો. બંને વચ્ચે રાત્રે તકરાર થઈ. બંને સૂઇ ગયા બાદ બીજે દિવસે 25 માર્ચે સવારે બંને વચ્ચે મોટો ઝઘડો થયો. રસોડામાં રહેલા ચપ્પુથી આરોપી શૈલેન્દ્રએ એક પછી એક ઘા સચિનને મારી તેનું ખૂન કરી નાખ્યું હતું.