BJP Foundation Day 2025: ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નવી નિમણૂકને લઈને હજુ અવઢવની સ્થિતિ છે. આ દરમિયાન આવતા રવિવારે ભાજપ જ્યારે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. અલબત્ત તેમનો આ પ્રવાસ કલોલમાં આવેલા ઇફકોના ખાતરના કારખાનાના પચાસ વર્ષની પૂર્ણાહુતિના અનુસંધાને ગોઠવાઇ રહ્યો છે.
પરંતુ શાહની આ મુલાકાત દરમિયાન નવા પ્રમુખની નિયુક્તિને લઈને કોઈ સંકેત આવે તેવી અપેક્ષા ભાજપમાં સેવાઈ રહી છે.
આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત બાદ ચાલું માસમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ થઇ જાય તેવી સંભાવના જોવાઇ રહી છે. ગુજરાત ભાજપના નવા પ્રમુખની નિયુક્તિ રાષ્ટ્રીય પ્રમુખના નામની જાહેરાત પહેલાં થશે તેવું ગુજરાતમાં પક્ષના કોઇપણ નેતા કહી રહ્યા નથી. લગભગ દર સપ્તાહે નવા અધ્યક્ષની નિયુક્તિ અને નામોની અટકળો લાગી રહી છે, પરંતુ તેને લઈને કોઈ સ્પષ્ટ સંકેત હજુ પાર્ટીએ આપ્યાં નથી.
યોગાનુયોગ ભાજપનો સ્થાપના દિવસ આ વર્ષે રામનવમીના દિવસે આવી રહ્યો છે. તેના ઉપલક્ષ્યમાં ભાજપ ગામે-ગામ રામમંદિરેથી ભાજપનો ધ્વજ લઈને નિકળશે અને ઘરે-ઘરે પક્ષના વાવટા લગાવશે. આ ઉપરાંત 7થી 9 એપ્રિલ દરમિયાન ભાજપમાં જોડાયેલા નવા સક્રિય સભ્યોના સંમેલનો યોજાશે અને 10થી 12 એપ્રિલ દરમિયાન શક્તિકેન્દ્રો પર બેઠકો યોજવામાં આવશે.