બે દિવસમાં જ પાંચ ટ્રીલીયન ડોલરનુ ધોવાણ: વર્ષો નહીં પરંતુ દાયકાઓનુ સૌથી બિહામણુ સપ્તાહ બન્યુ
રાજકોટ તા.5
અમેરિકન ટેરિફ દુનિયાભરમાં ટોરનેડોરૂપે ત્રાટકયા હોય તેમ શેરબજાર ઉપરાંત સોના-ચાંદી-ક્રુડ નેચરલ ગેસ સહિત તમામ કોમોડીટીનો કચ્ચરઘાણ સર્જાયો છે. વિશ્ર્વની સાથે અમેરિકાનાં ઈન્વેસ્ટરોને પણ અબજો ડોલરનું નુકશાન થવા સાથે સાર્વત્રીક હાહાકારની સ્થિતિ છે.
અમેરિકન માર્કેટ શુક્રવારે રાત્રે પણ ધડાકા થયા હતા. ડાઉ જોન્સમાં 2722 તથા નાસ્ડેકમાં 948 પોઈન્ટનો કડાકો હતો. એસએન્ડપી 322 પોઈન્ટ તૂટયો હતો.વૈશ્વિક સોનું અંદાજીત 70 ડોલર ગગડીને 3038 ડોલર હતું ચાંદી વધુ 2.23 ડોલર તૂટીને 29.62 ડોલર હતી. બે દિવસના કડાકામાં જ અમેરિકન શેરમાર્કેટમાં પાંચ ટ્રીલીયન ડોલરનું ધોવાણ થયુ છે અને અબજોપતિઓની સંપતિમાં મોટો ઘટાડો થયો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરનાં દેશો પર ટેરીફ ઝીંકયા છે. યુરોપ સહીતનાં દેશો સામા પડવાના પડકારા કરતા હતા તેવા સમયે ચીને અમેરીકા પર વળતી 34 ટકા ટેરિફની જાહેરાત કરી દેતા વૈશ્વિક ટ્રેડવોર ભડકવાની આશંકાથી અને મહામંદી સર્જાવાનાં ભણકારાથી વિશ્ર્વ બજારોમાં મંદીની સુનામી ત્રાટકી હતી. માત્ર શેરબજાર જ નહિં તમામ કોમોડીટીમાં મંદી સર્જાઈ હતી.
અમેરિકન શેરમાર્કેટ ઉપરાંત યુરોપીયન માર્કેટો પણ ધડામ થયા હતા.જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકા સામે ચીને વળતા ટેરિફ લાદતા ટ્રેડવોરની શંકા વધુ ગંભીર બની છે. અમેરિકન માર્કેટમાં ગુરૂવારે 2.4 ટ્રીલીયન ડોલરનુ ધોવાણ થયુ હતું. ગઈકાલે વધુ 2.6 ટ્રીલીયન ધોવાયા હતા.સોના-ચાંદી-નેચરલ ગેસ-ક્રુડ-બીટકોઈન સહિત તમામ કોમોડીટીનાં કડાકાને લક્ષ્માં લેવામાં આવે તો આંકડા અનેકગણા વધી જાય તેમ છે.
જાણકારોના કહેવા પ્રમાણે ટુંકા ગાળા માટે તમામ માર્કેટો અનિશ્ર્ચિત બની ગયા છે અને તેમાં કેવા વળાંક આવે છે તેની નિર્ણાયક અસર થશે. ટેરિફનો અમલ 9 એપ્રિલથી થવાનો છે તે પૂર્વે કોઈ પરિણામલક્ષી સંજોગો સર્જાય છે કે કેમ તે મહત્વનું બનશે. વર્ષો જ નહિં પરંતુ દાયકાઓ બાદ શેર સહિતના નાણાંકીય માર્કેટો માટે બિહામણી હાલત સુચવતુ સપ્તાહ બન્યુ છે. આ પૂર્વે 2020 ના કોવીડકાળ તથા 2008 ની સબપ્રાઈઝ કટોકટી વખતે પણ હાલત જુદી હતી. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી શેરબજાર આજે બંધ છે. પરંતુ ગીફટ નિફટી 615 પોઈન્ટનો કડાકો સુચવે છે. આ જ ટ્રેન્ડ યથાવત રહેવાના સંજોગોમાં કડડભૂસ થાય તેમ છે.