એપ્રિલ મહિનાની શરૂઆતથી જ દેશભરના હવામાનમાં પલટો આવી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે કેટલાક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં હવામાન એકદમ અનુકૂળ બની રહ્યું છે. હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
શનિવારે ચેન્નઈમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ અનેક ચેતવણીઓ જારી કરી છે. દિલ્હીમાં હજુ સુધી હીટવેવની ઔપચારિક ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ તાપમાન સતત વધી રહ્યું છે. 7 એપ્રિલ પછી તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં પહેલાથી જ તીવ્ર ગરમી પડી રહી છે.
જણાવી દઈએ કે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં રચાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન તમિલનાડુના ઉત્તર સુધી ફેલાયું છે. જેના કારણે રવિવારે રાજ્યના પશ્ચિમ ઘાટ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં મોટાભાગના સ્થળોએ સામાન્ય અથવા સરેરાશથી ઓછું તાપમાન નોંધાયું. વેલ્લોરમાં 37.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જે રાજ્યમાં દિવસનું સૌથી વધુ તાપમાન છે. તે હજુ પણ સામાન્ય તાપમાનની નજીક હતું.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રચાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે, ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. તો, 9 એપ્રિલ સુધી ઉત્તર પૂર્વ રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે 7 થી 9 એપ્રિલ દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડમાં વરસાદની શક્યતા છે.
તીવ્ર ગરમીની ઝપેટમાં છે આ રાજ્યો
દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 7 અને 8 એપ્રિલે તાપમાનમાં વધુ વધારો થવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. દિલ્હીની સાથે, IMD એ સોમવારથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત અનેક ઉત્તર ભારતીય રાજ્યોમાં તીવ્ર ગરમીની ચેતવણી પણ જારી કરી છે.
સૂર્ય તિલક, 200000 દીવા, રામ નવમી પહેલા રોશનીથી ઝગમગ્યું રામ જન્મભૂમિ મંદિર, જુઓ વીડિયો
IMDએ જારી કર્યું હીટવેવ એલર્ટ
IMDએ દેશના કેટલાક રાજ્યોમાં વધતા તાપમાન અંગે હીટવેવ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં, 6 થી 9 એપ્રિલ સુધી રાજસ્થાન, 7 થી 9 એપ્રિલ સુધી પંજાબ અને હરિયાણામાં લૂ લાગવાની સંભાવના છે. આગામી અઠવાડિયામાં ગુજરાત, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ઉત્તર અને મધ્ય પ્રદેશોમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના છે.