નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાનો એલોટ કરી દીધા
પોલીસે કૌભાંડમાં એક શખસની ધરપકડ કરી
એએમસીના અધિકારી અને કર્મચારીઓની સંડાવણીની શંકા
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં શહેરના મકાન વિહોણા ગરીબ પરિવારોને ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેના માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી.
આ યોજનામાં નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાન ફાળવી દેવાના કૌભાંડમાં પ્રકાશમાં આવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી દિવ્યાંગ છે અને તે મકાન લેવા માગતા ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો. એટલે આ કૌભાંડમાં મ્યુનિના અધિકારીઓની સંડોવણી હોવાની શંકા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોતા વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાન ફાળવી દેવાના કૌભાંડમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી દિવ્યાંગ છે અને તે મકાન લેવા માગતા ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો. જ્યારે નકલી લેટર બનાવનાર સહિતના આરોપી હાલમાં ફરાર છે. જોકે આ કૌભાંડમાં મ્યુનિ.ના પણ અધિકારી -કર્મચારીઓની સંડોવણીની શંકા પોલીસે નકારી નથી.
શહેરના ગોતા વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 1736 મકાનો બનાવાયાં હતાં. તેમાંથી મ્યુનિ.એ 1372 મકાન જે તે વ્યક્તિને ફાળવી દીધાં હતા. જ્યારે 364 મકાનોની ફાળવણીની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 364માંથી અમુક મકાન નકલી પઝેશન લેટરના આધારે ફાળવી દેવાયા હોવાની ફરિયાદો મ્યુનિ.કોર્પોરેશનને મળી હતી, જેના આધારે મ્યુનિ.ની ટીમ આવાસ યોજનાના મકાનમાં તપાસ કરવા ગઈ હતી. મ્યુનિ.ની ટીમને જાણવા મળ્યું હતું કે, 364માંથી 21 મકાનમાં લોકો રહેતા હતા. જોકે તે મકાન ફાળવાયા ન હતા. આથી તેમની પૂછપરછ કરતા તેમને વિપુલભાઈ અને સૈયદભાઈએ રૂ.50 હજાર લઈને એલોટમેન્ટ લેટરના આધારે મકાન ફાળવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે.