
અમદાવાદ
ગુજરાતમાં ફરી એકવાર ક્લાસ વન અધિકારી લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને અમદાવાદમાં અસારવાની સરકારી ડેન્ટલ કોલેજનો ડીન ગીરીશ જેઠાલાલ પારમાર 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. આ બંન્નેએ ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માંગી હતી. ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માંગી હતી.
આ કામ ના ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલ હતી. આ દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થયેલ હતી. જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોક્ટરને ફરજ મૌકુફી પર ઉતારેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી. તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓક્ટોબર-૨૦૨૪માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-૨૦૨૫માં જમા કરાવેલ હતો.
આ દરમિયાન ગીરીશ પરમાર (વચેટીયા)એ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોક્ટર બન્ને વિરુધ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે ક્લાસ વન અધિકારી દિનેશ પરમાર સાથે મિટિંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરિયાદી અને તેમના સાથી ડોક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં ફરિયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્ને પાસેથી 30 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, અને તે પૈકી 15 લાખ રૂપિયા એડવાન્સ અને બાકીનાં ફરિયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયો હતો.
ત્યારબાદ આરોપી ગિરીશ પરમાર ફરીયાદીને ટેલિફોન કરી નાણાંની માંગણી કરતા હતા, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આથી એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ લાંચના છટકા દરમિયાન આરોપી ગિરીશ પરમારે ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે.