આજના સમયમાં મહિલાઓને ઘણા કાનૂની હકો આપવામાં આવ્યા છે, જેનાથી તે પોતાનું રક્ષણ કરી શકે છે. પરંતુ કેટલાક કેસમાં આ હકોનો દુરૂપયોગ પણ જોવા મળે છે.
ખાસ કિસ્સાઓમાં લગ્ન કરેલી મહિલાઓ તેના પતિને શારીરિક કે માનસિક ત્રાસ આપતી હોવા હોવાના ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે.
આ સમયે સવાલ ઉભો થાય છે કે જ્યારે પતિ પીડિત હોય ત્યારે તે ક્યાં જાય?
શું પતિઓને પણ કાનૂની સુરક્ષા મળે છે? તો એનો જવાબ હા છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહિલા જ પીડિત હોય છે અને પતિ જ દોષી. પરંતુ તથ્યો એવું કહે છે કે પતિઓ પણ ત્રાસ ભોગવે છે. 2021ના NCRB (National Crime Records Bureau)ના આંકડાઓ મુજબ ભારતમાં 1,64,033 લોકોની આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ, જેમાંથી 81,063 લગ્નિત પુરુષો હતા, જ્યારે માત્ર 28,680 મહિલાઓ હતી.
આ આંકડા એ સાબિત કરે છે કે ઘણા પતિઓ પણ દુઃખદાયક જીવન જીવી રહ્યા છે. કાયદાનું રક્ષણ માત્ર એક જાતિને મળવું જોઈએ નહીં, પરંતુ દરેક નાગરિક માટે હોવું જોઈએ.
વિદેશોમાં જેમકે યુ.કે. અને યુ.એસ.માં જેન્ડર ન્યૂટ્રલ કાયદા અમલમાં છે, તેમ ભારતે પણ હવે પતિઓ માટે સમાનતા લાવવી જોઈએ.
પતિઓને મળતા કાનૂની અધિકારો
ઘરેલૂ હિંસા સામે રક્ષા
જો પત્ની પતિ પર શારીરિક કે માન0સિક હિંસા કરે છે તો પતિ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે. જરૂર પડે તો 100 નંબર અથવા મહિલા હેલ્પલાઇન 1091 પર પણ સહાય મેળવી શકાય છે.
સ્વઅર્જિત સંપત્તિ પર અધિકાર
જો પતિએ પોતાની કમાણીથી જમીન કે ઘરમાં રોકાણ કર્યું છે તો તેના પર સંપૂર્ણ હક પતિનો હોય છે. પત્ની કે સંતાનો તેનો દાવો કરી શકતા નથી. પતિ ઈચ્છે તો એ સંપત્તિ દાનમાં આપી શકે છે અથવા પરિવારને આપી શકે છે.
માનસિક ત્રાસના કેસમાં કાર્યવાહી
જ્યારે પત્ની પતિને દરરોજ ગાળો આપે, ખરાબ વર્તન કરે, પરિવારથી મળવા ન દે, સાથીઓથી સંબંધ તોડાવે, વારંવાર આત્મહત્યાની ધમકી આપે તો આને માનસિક ત્રાસ માનવામાં આવે છે. આ સ્થિતિમાં પતિ પોલીસ અથવા કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.
ભરણપોષણનો અધિકાર
જેમ સ્ત્રીઓને ભરણપોષણનો અધિકાર છે, તેમ પતિઓને પણ હિન્દુ મેરેજ એક્ટ હેઠળ આ અધિકાર આપવામાં આવ્યો છે. જો પતિ નોકરી વગર હોય અથવા પત્ની વધુ કમાય છે તો પતિ પણ ભરણપોષણની માગ કરી શકે છે. કોર્ટ સ્થિતિ પ્રમાણે ચુકાદો આપે છે.
ડિવોર્સનો અધિકાર
પતિ પણ પત્ની સામે તલાક માટે અરજી કરી શકે છે. તેમાં પત્નીની સંમતિ જરૂરી નથી. જો પતિએ સાબિત કરી શકે કે પત્ની તેમને શારીરિક કે માનસિક ત્રાસ આપે છે અથવા જીવલેણ ધમકી આપે છે, તો કોર્ટ પતિના હકમાં ચુકાદો આપી શકે છે.
સંતાનની કસ્ટડી પર અધિકાર
સંતાનની કસ્ટડી અંગે પતિને પણ સમાન અધિકાર હોય છે. જો કે કોર્ટ બાળકના ભવિષ્ય અને સામર્થ્ય જોઈને નિર્ણય લે છે. જો માતા નબળી હોય અથવા અસક્ષમ હોય તો પિતા માટે કસ્ટડીનો રસ્તો ખુલ્લો રહે છે.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય પુરુષ આયોગની રચના માટે અરજી પણ થઈ છે. તેમાં જણાવ્યું હતું કે જ્યારે સ્ત્રીઓ માટે રાષ્ટ્રીય મહિલા આયોગ છે ત્યારે પુરુષો માટે પણ એક સમાન સંસ્થાન હોવુ જરૂરી છે, જ્યાં પતિઓ પોતાની પીડા વ્યક્ત કરી શકે અને ન્યાય મેળવી શકે.