
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષાબળોની નિરંતર લડાઈએ ફરી એકવાર મોટી સફળતા હાંસલ કરી છે. કિશ્તવાડ જિલ્લાના છત્ર વિસ્તારમાં ત્રણ દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કારણ કે બે થી ત્રણ આતંકીઓ હજુ ઘેરાયેલા હોવાની આશંકા છે. આ સફળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષા સમીક્ષા બેઠક બાદ સુરક્ષાબળોની ‘આતંકમુક્ત જમ્મુ-કાશ્મીર’ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ ઘટનાની શરૂઆત 9 એપ્રિલના રોજ થઈ. જ્યારે કિશ્તવાડના છત્રૂ જંગલ વિસ્તારમાં ખુફિયા માહિતીના આધારે સુરક્ષાબળોએ તલાશી અભિયાન શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની 16 કોરે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળો પર ભારે ગોળીબાર કર્યો, જેના જવાબમાં એન્કાઉન્ટર શરૂ થયું. પ્રથમ દિવસે સાંજે આતંકીઓ સાથે સંપર્ક થયો અને તેમને અસરકારક રીતે ઘેરી લેવામાં આવ્યા.
ત્રીજા દિવસે, એટલે કે 11 એપ્રિલે, સુરક્ષાબળોને મોટી સફળતા મળી જ્યારે જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર થયો. ભારતીય સેનાની 16 કોરે જણાવ્યું કે, “આ ઓપરેશન પડકારજનક ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ અમારા બહાદુર જવાનો દ્વારા અથાક રીતે ચાલુ છે.” હાલની માહિતી મુજબ, હજુ પણ બે થી ત્રણ આતંકીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાનું મનાય છે, અને સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પહેલાં, 9 એપ્રિલના રોજ ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારના જોફર માર્ટા ગામમાં પણ સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. ખુફિયા માહિતીના આધારે પોલીસ અને અન્ય સુરક્ષાબળોએ તલાશી અભિયાન શરૂ કર્યું હતું, જે દરમિયાન આતંકીઓએ જવાબી ગોળીબાર કર્યો અને એન્કાઉન્ટર શરૂ થયું. આ ઘટનાઓ દર્શાવે છે કે જમ્મ-કાશ્મીરમાં આતંકી પ્રવત્તિઓને નાથવા સરક્ષાબળો સતત સક્રિય છે
આ બધા વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 એપ્રિલે શ્રીનગરમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપવા અને આતંકવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે આતંકવાદી ઘટનાઓ, ઘૂસણખોરી અને આતંકી સંગઠનોમાં યુવાનોની ભરતીમાં ઘટાડો લાવવા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શાહે આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે, “એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનને મિશન મોડમાં આગળ વધારવામાં આવે. તમામ એજન્સીઓએ સંકલિત રીતે કામ કરવું જોઈએ, જેથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ મળેલા લાભો જળવાઈ રહે અને આતંકમુક્ત જમ્મુ-કાશ્મીર’નું લક્ષ્ય ઝડપથી હાંસલ થાય.” કિશ્તવાડનું ઓપરેશન હજુ ચાલુ છે. અને સુરક્ષાબળો અન્ય આતંકીઓને નિષ્ક્રિય કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવા અને આતંકવાદને ખતમ કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પને વધુ મજબૂત કરે છે. સ્થાનિક પ્રશાસન અને સુરક્ષાબળોનું માનવું છે કે આવા ઓપરેશન્સથી આતંકીઓનું મનોબળ તૂટશે અને કાશ્મીરમાં સામાન્ય જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત થશે.