
ચીન
અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે, ચીની કંપનીઓએ પોતાનો માલ વેચવા માટે અન્ય દેશો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ કારણ છે કે તેઓ સસ્તા ભાવે ભારતને માલ વેચવા તૈયાર છે. ચીની કંપનીઓ ભારતીય ખરીદદારોને ૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેના કારણે ભારતમાં ઇલેક્ટ્રોનિક સામાનના ભાવમાં ઘટાડો થવાની આશા જાગી છે, પરંતુ નિષ્ણાતો માને છે કે આ ડિસ્કાઉન્ટ છતાં ભારતમાં સસ્તા ઇલેક્ટ્રોનિક સામાનનો માર્ગ એટલો સરળ નહી હોય આ પાછળ ઘણા આર્થિક, નીતિગત અને વ્યવહારિક કારણો છે. ભારત હાલમાં ચીન પાસેથી ફક્ત આવશ્યક ઇલેક્ટ્રોનિક ભાગો જ ખરીદી રહ્યું છે. આમાં ચિપ્સ, કોપર ટયુબ, ટેલિવિઝન પેનલ, સર્કિટ બોર્ડ, બેટરી સેલ, ડિસ્પ્લે મોડયુલ, કેમેરા મોડયુલ અને વિવિધ ઉપયોગો માટે પ્રિન્ટેડ સર્કિટનો સમાવેશ થાય છે.
અમેરિકાએ ચીન પર વધારાનો ૧૨૫ ટકાનો બદલો ટેરિફ લાદ્યો છે, જે અમલમાં આવ્યો છે. આનાથી ચીની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનું વેચાણ લગભગ અશકય બની ગયું છે. આવી સ્થિતિમાં, ચીની કંપનીઓ ઇલેક્ટ્રોનિક્સ ભાગો (ઘટક) પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે, જ્યાં નફાનું માર્જિન ખૂબ ઓછું છે. ગમે તે હોય, ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના રૂપમાં કાચા માલનો સ્ટોક ત્રણ મહિના માટે તૈયાર રહે છે. આવી સ્થિતિમાં, આ માલ કંપનીઓ પાસે જેટલો લાંબો સમય રહેશે, તેમનું નુકસાન વધશે. તેથી, ચીની કંપનીઓ શકય તેટલી વહેલી તકે ભારતમાં તેમનું વેચાણ વધારવાની ઉતાવળમાં છે જેથી તેઓ અમેરિકાથી આવેલા આંચકાનો સામનો કરી શકે.
નિષ્ણાતો કહે છે કે ભલે ચીની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ કંપનીઓ ખૂબ જ ઓછા માર્જિન પર માલ વેચવા માટે વાટાઘાટો કરી રહી હોય પરંતુ ભારતીય ખરીદદારો પાસે ઓછી કિંમતે પણ ખરીદી કરવાનો અવકાશ નથી. કારણ કે અમેરિકાએ પણ ભારત પર ર૬% ડયુટી લાદી છે.
ભલે તે ૯૦ દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હોય, ભારતીય કંપનીઓને હજુ પણ અમેરિકામાં તેમનો માલ વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, તેથી તેઓ સસ્તા દરે કાચા માલની આયાત કરવામાં અનિચ્છા અનુભવી શકે છે. તે જ સમયે, કાચા માલનો સ્ટોક ત્રણ મહિના માટે તૈયાર રહે છે. આ મુજબ, જો ભારતીય ખરીદદારો રસ ધરાવતા હોય, તો તેઓ મે-જૂનમાં જ ચીની કંપનીઓને ઓર્ડર આપશે.
દેશની સરકાર પ્રોત્સાહન યોજના (PLI યોજના) અને ગુણવત્તા નિયંત્રણ આદેશો (QCO) દ્વારા ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. આયાતી ઇલેક્ટ્રોનિક્સ ઘટકો પર ગુણવત્તાના આદેશો પણ સ્પષ્ટ છે. તે જ સમયે, ભારતમાં ઇલેક્ટ્રોનિક સામાન અને તેના ઘટકો પરની આયાત જકાત હજ પણ ઘણી ઊંચી છે. સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આયાત ડ્યુટી પણ વધારી રહી છે. આ કારણે, આ માલ દેશમાં લાવ્યા પછી લાદવામાં આવતી આયાત ડ્યુટી અને જીએસટીને કારણે કિંમતો પર બહુ અસર થશે નહી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત નબળું પડી રહ્યું છે. ચીની કંપનીઓ પાસેથી ઘટકો ખરીદવા માટે ચૂકવણી સામાન્ય રીતે યુએસ ડોલરમાં કરવી પડે છે. રૂપિયાની નબળાઈ આયાતનો એકંદર ખર્ચ વધારે છે, જેના કારણે ડિસ્કાઉન્ટનો લાભ રદ થાય છે. આ પરિસ્થિતિ સસ્તા ઇલેક્ટ્રોનિક સામાનની આશાઓને પણ નબળી પાડે છે.