
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે એવું માનવું વાજબી નથી કે ઘરેલુ વિવાદના દરેક કેસમાં પતિ અને તેનો પરિવાર જ હેરાન કરે છે. કાયદાકીય સ્તરે પણ પતિનો પક્ષ સાંભળવો મહત્વપૂર્ણ છે. હાઈકોર્ટે એક વ્યક્તિની તરફેણમાં ચુકાદો આપતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ માણસે તેની પત્ની દ્વારા તેના અને તેના પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા સાબિત કરવામાં ૯ વર્ષ વિતાવ્યા.
ન્યાયાધીશ નીના બંસલ કળષ્ણાની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે અરજદાર અને તેમના પરિવારનું તેમની પત્ની દ્વારા જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું. પરંતુ વિડંબના એ હતી કે તેનાથી વિપરીત, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી અને તેમની ધરપકડ કરવામાં આવી. હાઈકોર્ટે નવ વર્ષ પહેલાં આ વ્યક્તિની ધરપકડ ગેરકાયદેસર જાહેર કરી હતી અને તે સમયે અરજદારને જેલમાં મોકલવાના આદેશને રદ કર્યો હતો.
બેન્ચે કહ્યું કે કૌટુંબિક વિવાદોના કેસોમાં ફક્ત પત્નીનો પક્ષ જ સાંભળવામાં આવે છે તે એક ટ્રેન્ડ બની ગયો છે. પતિની વાત સાંભળ્યા વિના, તેને ઘણી વાર એવી ઘણી ઘટનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે જે તેણે કે તેના પરિવારે કરી નથી. આ કિસ્સામાં પણ એવું જ બન્યું. કોર્ટે કહ્યું કે પત્ની અને તેના પરિવારે વિવાદ ઉભો કર્યો અને નિર્દોષ પતિને જેલમાં જવું પડયું. તેથી બેન્ચ તે સમયે દાખલ કરાયેલા કેસને ફગાવી દે છે. તે આરોપીની ધરપકડને પણ ગેરકાયદેસર જાહેર કરે છે.
ફરિયાદી પતિએ તેની પત્ની અને તેના પરિવાર સામે ખોટા આરોપોમાં ફસાવવા અને પોલીસ સ્ટેશનમાં તેની સાથે થયેલા દુર્વ્યવહાર બદલ ન્યાય મેળવવા માટે ૯ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી. ૧૫ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ, ફરિયાદીની પત્નીએ તેના માતાપિતા સાથે મળીને પહેલા ઘરમાં હોબાળો મચાવ્યો અને પછી પોલીસને ફોન કરીને તેના પતિની ધરપકડ કરાવી. તેણીએ તેના સાસરિયાઓ પર પણ હેરાનગતિનો આરોપ લગાવ્યો. પીડિતાને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી.
હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં વાદી સાથે ગેરવર્તણૂક કરનારા પોલીસકર્મીઓ સામે હુમલો, બંધક બનાવવા અને અન્ય કલમો હેઠળ કેસ નોંધાયેલો છે. વિભાગીય તપાસ પણ ચાલી રહી છે. બેન્ચે આ પગલું યોગ્ય માન્યું.