
દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે. એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે. 10 એપ્રિલે યુપી-બિહારમાં વાવાઝોડાને કારણે 83 લોકોના મોત થયા હતા. આમાંથી 61 મૃત્યુ બિહારમાં અને 22 મૃત્યુ યુપીમાં થયાં હતાં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની ચેતવણી પણ છે. ભારે વરસાદની પણ શક્યતા રહેશે. ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું હતું. દેશમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગનાં રાજ્યોમાં, ગુરુવારે દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું. રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે. રાજસ્થાન-ગુજરાતમાં તે 40-43°C સુધી જઈ શકે છે. દિલ્હીમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના જેસલમેર-બાડમેર, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, પશ્ચિમ યુપી, હરિયાણા, પંજાબ, સમગ્ર દિલ્હી-એનસીઆરમાં લૂ ફુંકાશે. મધ્યપ્રદેશના 30 જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ છે. દક્ષિણનાં રાજ્યોમાં ગરમીના મોજા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.