
તાજેતરમાં સુપ્રિમ કોર્ટે એક અરજી પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દુષ્કર્મ કેસને રદ કર્યો છે. આ કેસમાં એક મહિલાએ ભૂતપૂર્વ ન્યાયિક અધિકારી (જજ) પર લગ્નનું ખોટું આશ્વાસન આપીને બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, મહિલાને પહેલેથી જ ખબર હતી કે, તે વ્યક્તિ પરિણીત છે અને પોતાની પત્નીથી અલગ રહે છે. જેથી સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ મહિલા પરિણીત પુરુષ સાથે તેની વૈવાહિક સ્થિતિની જાણ હોવા છતાં સહમતિથી શારીરિક સંબંધ બનાવે છે, તો તેને ખોટા વચન પર બળાત્કાર ન કહી શકાય.
જો કોઈ મહિલા સમજદારીથી કોઈ સંબંધમાં જોડાય છે, તો પછી લગ્ન ન થવા પર તેને દુષ્કર્મ નહીં ગણવું જોઈએ. સુપ્રીમ કોર્ટે માન્યું કે, આ સંબંધ સહમતિથી બન્યો હતો. જેથી પૂર્વ જજ પર લગાવેલા તમામ આરોપો કોર્ટે રદ કરી દીધા છે. કોર્ટે એ પણ જણાવ્યું કે દરેક બ્રેકઅપ પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે.
૧૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ હાલ્દિયા મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ એક જજ વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને ધમકીની કલમો હેઠળ FIR નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ ૨૦૧૪માં ફરિયાદી મહિલા કોર્ટમાં છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી. જ્યાં આરોપી જજ તરીકે કાર્યરત હતા. આ દરમિયાન જજ અને ફરિયાદી મહિલા એકબીજાની નજીક આવ્યા હતા. નોંધનીય વાત એ છે કે, આ ફરિયાદી મહિલાને ખબર હતી કે, આ જજ પરિણીત છે અને તેની પત્નીથી હાલ દૂર રહે છે. છતાં પણ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
મહિલાનો આરોપ છે કે, તત્કાલિન જજે તેને ભાડાનું ઘર પણ અપાવ્યું હતું અને તેના પુત્રને અભ્યાસ માટે શાળામાં પણ દાખલ કરાવી તેની જવાબદારી લેવાની વાત કરી હતી. આટલું જ નહીં આરોપી જજે મહિલાને રોજિંદા ખર્ચ માટે પૈસા પણ મોકલતો અને લગ્નનું આશ્વાસન આપ્યું હતું. આ ભરોસે બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધ બંધાયા હતા, પરંતુ જ્યારે મહિલાના છૂટાછેડા ફાઈનલ થયા, ત્યારે આરોપી જજે મહિલાથી અંતર રાખવાનું શરૂ કર્યું અને વાતચીત બંધ કરી દીધી હતી. જે બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં 30 એપ્રિલ ૨૦૨૦ના રોજ ચાર્જશીટ દાખલ થઈ અને મેજિસ્ટ્રેટે ૧ મે ૨૦૨૦ના રોજ તેનો સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ આરોપી જજે લ્લની કલમ ૨૨૭ હેઠળ પોતાને આરોપમુક્ત કરવાની અરજી કરી હતી, જેને ૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી. આ નિર્ણયને કોલકાતા હાઈકોર્ટે પણ યથાવત્ રાખ્યો અને આરોપી જજને રાહત આપી નહીં. જે બાદ મામલો સુીમ કોર્ટે પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ભૂતકાળના એક કેસનો ઉલ્લેખ કરીને ચુકાદો સંભળાવતા કહ્યું કે, જો કોઈ મહિલાને લગ્નનું વચન આપી સંબંધ બંધાયા હોય, તો તેવા કિસ્સામાં બળાત્કાર ત્યારે જ ગણી શકાય જ્યારે તે વચન ખરાબ નિયતથી આપવામાં આવ્યું હોય કોર્ટે જણાવ્યું કે, જો મહિલાને પહેલેથી જ ખબર હોય કે પુરુષ પરિણીત છે, તો લગ્નનું વચન ખોટું ગણી શકાય નહીં. કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે, માનવું મુશ્કેલ છે કે ફરિયાદીએ માત્ર લગ્નના વચનના આધારે જ શારીરિક સંબંધ બનાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે માન્યું કે, બંને વચ્ચેનો સંબંધ સહમતિથી બન્યો હતો અને મહિલાના આરોપો કાનૂની રીતે એ સ્તરે નથી પહોંચતા કે તેના પર બળાત્કાર કે છેતરપિંડી જેવા ગંભીર ગુના ચલાવી શકાય. અંતમાં કોર્ટે કહ્યું કે, આ કેસ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે અને આવા કેસોમાં ટ્રાયલ ચલાવવું યોગ્ય નથી. તેથી સપ્રીમ કોર્ટે આ કેસમાં નોંધાયેલી કાર્યવાહી રદ કરી અને કોલકાતા હાઈકોર્ટનો પહેલાનો આદેશ પણ રદ કર્યો છે.
આ નિર્ણય કાનૂની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે કારણ કે તેમાં સહમતિ, ભ્રમની સ્થિતિ અને ખોટા વચનોની ઊંડાણપૂર્વક સમજૂતી કરવામાં આવી છે. આ નિર્ણય એવા સવાલો ઉભા કરે છે કે શું દરેક તૂટેલો સંબંધ બળાત્કારનો કેસ બની જવો જોઈએ? શું દરેક પ્રેમ સંબંધ જેમાં લગ્ન ન થયા, તેમાં મહિલાને પીડિતાની ભૂમિકા આપી દેવી યોગ્ય છે? ના. સહમતિ ત્યારે પણ સહમતિ રહે છે જ્યારે તે મુશ્કેલ નિર્ણયો સાથે આવે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખોટા બળાત્કારના કેસોની સંખ્યા પર અંકુશ લગાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.