
નવી દિલ્હી
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તારોમાંથી નવજાત બાળકોની ચોરી કરી દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને વેચવાનું એક મોટું રેકેટ દિલ્હી પોલીસે ઝડપી પાડ્યું છે. આંતરરાજ્ય માનવ તસ્કરીના આ ગુનામાં પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે ગેંગની મુખ્ય નેતા સરોજ નામની મહિલા હાલ ફરાર છે. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી એક ચાર દિવસનું નવજાત શિશુ મળી આવ્યું છે. ચોકાવનારી વાત એ છે કે આ ગેંગે અત્યાર સુધીમાં 30થી વધુ બાળકોને શ્રીમંત પરિવારોને 5થી 10 લાખ રૂપિયામાં વેચી દીધા હોવાનો ખુલાસો થયો છે.
દિલ્હી પોલીસના દ્વારકા વિભાગની વિશેષ ટીમે 20 દિવસની સતત દેખરેખ અને 20થી વધુ શંકાસ્પદ મોબાઇલ નંબરોના કૉલ ડિટેલ રેકોર્ડનું વિશ્વેષણ કર્યા બાદ 8 એપ્રિલ, 2025ના રોજ ઉત્તમ નગર વિસ્તારમાંથી ત્રણ આરોપીઓ—યાસ્મીન (30), અંજલી (36) અને જીતેન્દ્ર (47)—ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ સરોજના આદેશ પર ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા પાલી વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોના બાળકોની ચોરી કરતા હતા. આ બાળકોને દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને ઊંચી કિંમતે વેચવામાં આવતા હતા, જેમાં દરેક બાળકની કિંમત 5થી 10 લાખ રૂપિયા સુધી નક્કી થતી હતી. સરોજ આ ગેંગનું સંચાલન કરતી હતી અને શ્રીમંત પરિવારો સાથે સીધો સંપર્ક રાખીને સોદા પૂર્ણ કરતી હતી.
પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ ખાસ કરીને આદિવાસી સમુદાયના નવજાત શિશુઓને નિશાન બનાવતી હતી, કારણ કે આ પરિવારો ગરીબી અને અશિક્ષિત હોવાથી તેમની પાસેથી બાળકોની ચોરી કરવી સરળ હતી. આરોપી અંજલીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જે અગાઉ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા આવા જ એક માનવ તસ્કરીના કેસમાં ઝડપાઈ હતો. જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી. યાસ્મીન અને જીતેન્દ્ર પણ આ રેકેટમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા, જેમાં યાસ્મીન બાળકોની ચોરીનું કામ સંભાળતી હતી, જ્યારે અંજલી વેચાણની વ્યવસ્થા કરતી હતી.
આ કેસમાં દિલ્હી પોલીસે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(4), 61(2), 3(5) અને જુવેનાઇલ જસ્ટિસ ઍકટની કલમ 81 હેઠળ એફઆઈઆર નોંધી છે. દ્વારકાના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અંકિત ચૌહાણે જણાવ્યું કે, “આ ગેંગની કામગીરી અત્યંત સંગઠિત હતી, અને તેમણે ગરીબ આદિવાસી પરિવારોની મજબૂરીનો લાભ લઈને આ ગુનાઓ આચર્ચા.” પોલીસે હવે સરોજની શોધખોળ માટે ગુજરાત અને રાજસ્થાનની પોલીસ સાથે સંકલન શરૂ કર્યું છે. જ્યારે બાળકો ખરીદનારા પરિવારો સામે પણ કાનૂની કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે.
આ ઘટનાએ ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં સુરક્ષા અને સામાજિક જાગૃતિની જરૂરિયાતને રેખાંકિત કરી છે. પોલીસ હવે આ રેકેટના અન્ય સભ્યોને ઝડપવા અને વેચાયેલા બાળકોના માતા-પિતાને શોધવા માટે વધુ તપાસ કરી રહી છે. આ કેસ સમાજની નબળી કડીઓ પર ગુનાખોરીની નજર અને તેની સામે લડવાની જરૂરિયાતને ઉજાગર કરે છે.