દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી અધિકારીઓ ઝડપાવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસો પહેલાં એક યુવક નકલી એડિશનલ કલેક્ટર અને કમિશનર જેવા મોટા હોદ્દા ધારણ કરીને ફરતો ઝડપાયો હતો. એવામાં હવે ખંભાળિયામાંથી વધુ એક નકલી CID અધિકારી પોલીસના સકંજામાં સપડાયો છે.
ખંભાળિયા પોલીસે જામનગર નેશનલ હાઈવે પરથી આ નકલી અધિકારીને ઝડપી પાડ્યો હતો.
કાળા રંગની સ્કોર્પિયો કારમાં સરકારી ગાડી જેવી લાલ અને બ્લુ લાઈટ તેમજ સાયરન લગાવીને નીકળતા બે યુવકોને પોલીસે શંકાના આધારે અટકાવ્યા હતા.
જેમની પૂછપરછ દરમિયાન આ બંને યુવકોએ પોતાની પાસે CID ગુજરાત સ્ટેટના ડુપ્લિકેટ ઓળખ કાર્ડ બતાવીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમની વર્તણૂક શંકાસ્પદ જણાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમની પાસે કોઈ પણ જાતનો અધિકૃત હોદ્દો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બંને યુવકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાળિયા ટ્રાફિક પોલીસે સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ નકલી અધિકારી તરીકે ઓળખ આપવા અને ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવા બદલ અલગ-અલગ બે ગુના દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.