માં નર્મદાએ માત્ર તમારા-મારા જીવન માટે નહી પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનમાં બદલાવ આણ્યો છે : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

Spread the love

 

•માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે મા નર્મદાના ચરણોમાં વંદન કરીને રાજ્યના બધા જ નાગરિકોની સુખાકારી-સલામતી અને વિકાસની મનોકામના કરૂ છું તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રામપુરા ઘાટ પર આવેલા શ્રી રણછોડરાયના મંદિરે પૂજા અર્ચના કરી પરિક્રમા કરી રસ્તામાં ઠેર-ઠેર ભાવિક ભક્તો, કાર્યકર્તાઓ, સેવાકર્મીઓનું અભિવાદન કરી પ્રોત્સાહિત કર્યા

રાજપીપલા, 21 એપ્રિલ (હિ.સ.). નર્મદા જિલ્લામાં ૨૯ માર્ચથી ૨૭મી એપ્રિલ દરમિયાન એક મહિનો માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા દર વર્ષે યોજાય છે. આ પરિક્રમામાં આજે રોજ રાત્રીના બે વાગ્યે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી આવી પહોંચતા નાંદોદના ધારાસભ્ય શ્રી ડો. દર્શનાબેન દેશમુખ અને સંગઠન અગ્રણીશ્રી નીલ રાવ દ્વારા ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગૃહરાજ્ય મંત્રીશ્રી સંઘવીએ શ્રી રણછોડરાય મંદિર ખાતે પૂજા-અર્ચના કરી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. આ વેળાએ કાર્યકર ભાઈઓ બહેનો અને લોકો તેમની સાથે પરિક્રમામાં સહભાગી થઈને પગપાળા પરિક્રમા કરી હતી. માંગરોળ ખાતે સંગઠન દ્વારા શરૂ કરાયેલા વિસામા ખાતે તેમનું કાર્યકર્તા અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકડાયરો યોજાયો હતો. જેમાં ગૃહ મંત્રીશ્રીને કાર્યકર્તાઓએ ખભે બેસાડીને નચાવી અભિવાદન કર્યું હતું અને ગૃહ મંત્રીએ કલાકારો અને સેવકોની સેવાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. પરિક્રમાના આગલા ચરણમાં શહેરાવ ઘાટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવીએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને મંત્રીશ્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઊભી કરાયેલ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરાવ ઘાટ ખાતે હંગામી પુલ બનાવ્યો છે તેના પરથી નર્મદા નદી પાર કરી હતી. આગળની પરિક્રમા દરમિયાન તેમણે મણિનાગેશ્વર મંદિર, કપિલેશ્વર મહાદેવ અને નંદીઘાટ તેમજ રેંગણ ઘાટ પરથી નાવડીમાં બેસીને નદી પાર કરી હતી. રામપુરા ઘાટ ખાતે મંત્રીશ્રી આવી પહોંચતા જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી દ્વારા ગૃહ મંત્રીનું.

સુપ્રભાતે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને ગૃહ મંત્રીશ્રીએ નર્મદા મૈયાના દર્શન કરી નર્મદા મૈયાનું આચમન કર્યું હતું અને રણછોડરાય મંદિરે પરત આવી દર્શન કર્યા હતા.

માંગરોળ ખાતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, આજે મને માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. માં નર્મદાના ચરણોમાં વંદન કરીને રાજ્યના બધા જ નાગરિકોની સુખાકારી સુરક્ષા અને વિકાસની મનોકામના કરું છું. ચારે દિશામાં હજારો ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામી દેવી નર્મદે એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભક્તોના પાપ દૂર કરે છે. પરિક્રમાએ આ વર્ષે વર્ષોવર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર-શનિ-રવિ બે અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પરિક્રમા માટે અહીં પધાર્યા હતાં.ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું. એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ ભાવિક ભક્તો માટે કોઈ પણ જિલ્લા કે રાજ્યમાંથી આવ્યા હોય તો તેમને તકલીફ ન પડે તે માટેના કોઈ જાન : ના કોઈ પહેચાન ફિર ભી તમે જે આવેલા હોય તે બધા અમારા મહેમાન આ વિચાર સાથે ગુજરાતના નાગરિકો અને સૌ લોકોને આવકાર્યા છે. લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવડાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વખતે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં આ વર્ષે લોકો પરિક્રમામાં જોડાયા છે.

ગૃહ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જે રીતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને ખૂબ જ મોટી ભવ્ય કરી શકીએ તે માટે વ્યવસ્થાઓ સુધારો-વધારો કરી શકીએ તે માટે પ્રશાસન સાથે બેસીને હું યાત્રા પૂર્ણ કર્યા પછી રીવ્યુ લેવાનો છું અને આવનારા સમયમાં આમાં વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છીએ. હું સંગઠનના પ્રત્યેક કાર્યકર્તાનો આભાર માનું છું. હું આજે જોઈ રહ્યો છું. અલગ અલગ ભંડારામાં દરરોજ કાર્યકર્તા પોતે સેવાઓમાં સમય આપે છે અને આખે આખી રાત લોકોની સેવા કરે છે. કોઈ વડીલના પગ દબાવે છે તો કોઈ ભોજન કરાવતા હોય, નાવડીમાં પણ તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તા સેવા બજાવી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું કે, નર્મદાએ માત્ર તમારા મારા જીવન માટે નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનમાં બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકમાં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે આ શ્રદ્ધા બધા જ લોકો અહીં આવીને પરિક્રમા કરી શકે તે માટેની આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦ મી એપ્રિલના રોજ સાંજે છ કલાકથી સવારના છ કલાક દરમિયાન ૧૨,૮૮૫ લોકોએ પરિક્રમા કરી છે અને કુલ ૭,૨૦,૧૦૨ લોકોએ પરિક્રમા કરી છે. ગૃહરાજ્ય મંત્રીશ્રીનું ચાર ઘાટ પર નોડલ અધિકારીશ્રી દ્વારા સ્વાગત અને પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વિશે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં. આ પ્રસંગે જિલ્લાના પોલીસ વિભાગના વડાશ્રી પ્રશાંત સુંબે, અધિકારી-કર્મચારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ પણ પણ પરિક્રમામાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *