પાટણમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

Spread the love

પાટણમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

યોગ્ય પાત્રતા ધરાવતા વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્ર મળતા, તેઓ સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવી શકશે

આ સમારોહમાં ઠાકોર સમાજ દ્વારા શ્રી હર્ષ સંઘવીનું વિશેષ સન્માન કરવામાં આવશે

 

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ લાગુ કરાયેલા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત પડોશી દેશોમાંથી આશ્રય લેનાર હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે, આવતીકાલે તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઓઢવનગર ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં ઠાકોર સમાજ દ્વારા શ્રી હર્ષ સંઘવીનું વિશેષ સન્માન કરવામાં આવશે.

પડોશી દેશોમાં દમનનો ભોગ બની ભારતમાં આશ્રય લેનાર વ્યક્તિઓને નાગરિકતા આપવાનો આ કાર્યક્રમ ગુજરાત સરકારની તેમના કલ્યાણ અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. CAAના અમલીકરણ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી તેઓ સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવી શકે. આ કાયદા હેઠળ નાગરિકોને મળતા તમામ અધિકારો અને લાભો સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર સતત પ્રયાસરત છે.

આ કાર્યક્રમ CAAના સફળ અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નોંધપાત્ર પગલું છે, જે નિર્વાસિતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના રાજ્ય સરકારના સંકલ્પને દર્શાવે છે. રાજ્ય સરકાર આવા પ્રયાસો દ્વારા નાગરિકોના હિતોનું રક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *