દાહોદના NTPC સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ.. 400 કરોડના નુકસાનનો અંદાજ

Spread the love

5 ફાયર ફાઇટરોની ટીમે આખી રાત મહેનત કરી માંડ માંડ કાબૂ મેળવ્યો, 400 કરોડના નુકસાનનો અંદાજ

 

દાહોદ
દાહોદના ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો છે. આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ લાગતાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિક્યોરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આથી કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની ગંભીરતાને જોતા દાહોદના એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરી ફાયર વિભાગને મદદ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. NTPC અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દાહોદના નવીન ઊર્જા ક્ષેત્રે આ સોલાર પ્લાન્ટ મહત્ત્વનો છે.
આ ઘટનાથી પ્રોજેક્ટમાં વિલંબ થવાની અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર પડવાની આશંકા છે. ફાયર વિભાગ હજુ પણ બાકી રહેલી આગને બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે. બીજી તરફ કડી છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક મોડેસ્ટ હોટલની સામે સોમવારે રાત્રે એકાએક આગની ઘટના બની હતી. રોડની બાજુમાં કચરાના ઢગલા નીચે આવેલી સાબરમતી ગેસની જમ્બો પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તરત જ કડી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
હિંમતનગરના ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી. સોમવારે રાત્રે બે વાગ્યાની આસપાસ ફેક્ટરીના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંભોઈ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિંમતનગર ફાયર વિભાગની બે ટીમ એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *