સિટી વિસ્તારમાં ભાડાપટ્ટાની જમીનોના માલિકી હક્ક અપાશે

Spread the love

 

30 વર્ષથી વધુ જૂની જમીનો ઉપર જંત્રીની કિંમત જ 15થી 50 ટકા અને 30 વર્ષ સુધીની જમીનો પર જંત્રીના 20થી 60 ટકા કિંમત વસુલાશે

રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા સીટી સર્વેે વિસ્તારોમાં લાંબા અને ટુંકા ગાળા માટે ભાડાપટ્ટે આપેલી જમીનોના યોગ્ય કિંમત વસુલી માલિકી હક્ક આપવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સરકારે સિટી સર્વે વિસ્તારમાં તા.31/12/1990 પહેલા ભાડાપટ્ટે આપેલી જમીનો ઉપર જંત્રીદરના 15 થી 60 ટકા કિંમત વસુલી માલિકી હકક આપવા નિર્ણય લીધો છે.

જો કે, ફળઝાડ, કપાસ, અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડા પટ્ટે આપેલી નવસાધ્ય કરવા આપેલી તેમજ ઝીંગા ઉછેર માટે, મીઠા ઉદ્યોગ માટે, રમત ગમતના મેદાન માટે, સોલાર કે વીન્ડ યોજના, ગ્રીન હાઇડ્રોજન માટે ફાળવેલી જમીનોમાં આ નિયમ લાગુ પડશે નહીં.

રાજય સરકારે કરેલા ઠરાવ મુજબ 30 વર્ષ કે તેનાથી વધુ સમય માટે જાહેર હરરાજી કે ઉચ્ચક કિંમત લઇને ભાડા પટ્ટે આપેલી જમીનમાં જંત્રીની કિંમતના 15 ટકા અને માત્ર ભાડે જમીન આપી હોય તો જંત્રીના 30 ટકા વસુલવામાં આવશે. જયારે જે કિસ્સામાં ભાડાપટ્ટાની અનઅધિકૃત તબદિલી થઇ હોય તેવી જમીનો ઉપર જંત્રીના 25 ટકા અને માત્ર ભાડેથી જીન આપી હોય તો જંત્રીના 50 ટકા રકમ વસુલી માલિકી હક્ક આપવામાં આવશે.

આજ રીતે 7 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછા સમયગાળા માટે જાહેર હરરાજીથી જમીન ભાડાપટ્ટે આપેલ હોય તેવા કેસમાં જંત્રીના 20 ટકા અને માત્ર ભાડેથી જમીન આપી હોય તેવા કિસ્સામાં જંત્રીના 40 ટકા રકમ વસુલાશે.

આ ઉપરાંત આ જમીનની અનઅધિકૃત તબદીલી થઇ હોય તો જાહેર હરરાજીથી ભાડાપટ્ટે લીધેલી જમીન કેસમાં જંત્રીના 30 ટકા તેમજ માત્ર ભાડે આપેલી જમીનનાં કિસ્સામાં જંત્રી કિંમતના 60 ટકા રકમ વસુલી માલિકી હક્ક આપવામાં આવશે.

સીટી સર્વે વિસ્તાર સિવાયના અન્ય તમામ વિસ્તારમાં આ જોગવાઇ લાગુ પડશે નહીં. જમીનની ફાળવણી જે હેતુ માટે થઇ હોય અને તેનો કોઇ ઉપયોગ ન થયેલ હોય તથા સ્થાનિકે જમીન ખુલ્લી પડી હોય તો તેને આ યોજનાનો કોઇ લાભ મળશે નહીં.
જમીનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ હોય કે ભાડાપટ્ટો પૂર્ણ થયેલ ન હોય પરંતુ હાલનો કાયદેસરનો ધારક કાયમી ધોરણે જમીન મેળવવા માંગતો હોય તો તેને આ યોજનાનો લાભ આપવાનો રહેશે. આ યોજના મુજબ રાહત કિંમતે કાયમી નિકાલ થતી આવી તમામ જમીનો જુની શરતની ગણવાની રહેશે.

ભાડાપટ્ટે આપેલ જમીનનું ભાડું કે ભાડાનો કોઈ ભાગ ભરપાઈ કરવામાં આવેલ ન હોય તો ભરવાપાત્ર રાહત કિંમતના 5% લેખે થતી રકમ ઉચ્ચક ભાડાપેટે વસુલ લેવાની રહેશે.
આવી જમીનનો કાયમી ધોરણે નિકાલ કરતી વખતે જંત્રી કિંમત મુજબની સ્ટેમ્પ ડયુટી વસુલ લેવાની રહેશે. આ યોજના રાજયના તમામ જિલ્લાના સીટી સર્વે વિસ્તારોને જ લાગુ પડશે. તા.31/12/1990 પછી ભાડાપટ્ટે આપેલ જમીનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે

ભાડાપટ્ટે આપેલી આવી જમીનો માટે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય ત્યાં સુધી આ યોજનાનો લાભઆપી શકાશે નહી. અરજદાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગનો હોય તો તે ઈસમને આ યોજનાનુસાર ભરવાપાત્ર થતી કિંમતમાં 20%ની રાહત આપવાની રહેશે.

આ યોજના મુજબ જુની શરતમાં ફેરવાયેલ જમીનને અન્ય તમામ પ્રવર્તમાન કાયદા-નિયમો લાગુ પડશે. જે કિસ્સામાં પટ્ટાની મુદત પૂર્ણ થયેલ હોય અને પટ્ટો પૂર્ણ થયો હોવા છતાં જો પદેદાર ઉક્ત યોજનાનો લાભ લેવા રસ ધરાવતો ન હોય તો પદેથી આપેલ જમીન પરનો કબજો દૂર કરી તાત્કાલિક ધોરણે જમીન સરકાર હસ્તક બોજા રહિત ઈમલા સહિત પરત લેવાની નિયમોનુસારની કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટરે અનુસરવાની રહેશે.

1 કરોડ સુધીની કિંમતની જમીન હોય તો જિલ્લા કલેકટરને સત્તા
પ્રવર્તમાન જંત્રીદર અનુસાર રૂૂ. 1 કરોડ સુધીની કિંમતની જમીન/મિલકતના કાયમી નિકાલની સત્તા જિલ્લા કલેક્ટરની રહેશે. રૂૂ.1 કરોડથી વધુ કિંમતની જમીન/મિલકતના કાયમી નિકાલ કરવાની તમામ દરખાસ્ત સરકારમાં મંજુરી અર્થે રજૂ કરવાની રહેશે. અરજદારે ઉક્ત યોજનાનો લાભ લેવા માટે ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી 2 વર્ષ સુધીમાં અરજી કરી દેવાની રહેશે.

બે વર્ષ સુધી કોઇ વેચાણ-વ્યવહાર થઇ શકશે નહીં
ભાટાપટ્ટાની જમીન/જગ્યાના વેચાણ થકી કોઇ દુર ઉપયોગ ન થાય તે સારુ “ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી જે કેસમાં ભાડાપટ્ટાની આવી જમીનના કાયમી નિકાલની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અથવા વધુમાં વધુ 2 વર્ષ સુધી આવી જમીન/જગ્યા માટે કોઇ વેચાણ વ્યવહાર થઇ શકશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *