
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે. કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલાં કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઇ એલર્ટ આપી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે. ગુજરાત સહિત દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોલીસ તેમજ એજન્સીઓએ કોમી હિંસા ભડકે નહીં એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગઇકાલે ધરતી પરના સ્વર્ગને નરકમાં તબદીલ કરી ત્રાસવાદીઓમાં ખેલેલી લોહીની હોળી બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન અને ત્રાસવાદીઓ વિરૂધ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી રહ્યા છે અને માનવરૂપી રાક્ષસો વિરૂધ્ધ ફીટકાર વરસાવી રહ્યા છે. અંધાધૂંધ્ધ ગોળીબારમાં ૨૬થી વધુ ટુરિસ્ટોના મોત થયા છે. તો બીજી તરફ માનવ જીજીંદગી છીનવી લેનારા ત્રાસવાદીઓને ઝડપી લેવા ઠાર કરવા સુરક્ષાદળોનું તલાશી અભિયાન વેગવંતું બન્યું છે.
મંગળવારે બપોરે પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર ધડાધડ ગોળીઓ ધરબી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. આ ઘટના બાદ પૃથ્વીનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર જાણે સૂમસામ ભાસી રહ્યું છે. પ્રવાસીઓ બને તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી રહ્યા છે. એક દિવસ પહેલાં પ્રવાસીઓથી ગુંજતી બૈસરન ખીણ પણ આજે જાણે એકલતા અનુભવી રહી છે. જ્યાં-જુઓ ત્યાં સૈનિકોનાં ધાડેધાડાં જોવા મળી રહ્યાં છે. મંગળવાર બપોરે 2.45 થયેલો હુમલો ટૂરિઝમ પર એક મોટો ફિટકાર હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે.
બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ તેમને તેમનો ધર્મ પૂછ્યો હતો અને પછી પુરુષોને ગોળી મારી દીધી હતી. માર્યા ગયેલા લોકોના મૃતદેહો હવે તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ભાવો નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે જેથી કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ તેમના ઘરે પાછા ફરી શકે. આ આતંકવાદી હુમલા બાદ દિલ્હી અને મુંબઈ સહિત દેશના મુખ્ય શહેરોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.