



જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે. કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલાં કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઇ એલર્ટ આપી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે. ગુજરાત સહિત દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોલીસ તેમજ એજન્સીઓએ કોમી હિંસા ભડકે નહીં એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) સ્વીકારી લીધી છે. હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. તેમને શોધવા માટે એજન્સીઓએ એડીચોટીનું જોર લગાવી રહી છે. આતંકી હુમલા બાદ દેશની શાંતિ ખોરવાય એવી ઇન્ટેલિજન્સ બ્યૂરોને આશંકા છે. આ ઉપરાંત અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતનાં ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તહેનાત કરી દેવાઇ છે. સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રિસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે, જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. આતંકી હુમલાના સંકટ વચ્ચે રાજ્યનાં તમામ શહેરો અને જિલ્લાઓમાં શાંતિ જળવાઇ રહે એ માટે ગાંધીનગર ખાતે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય એવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગુજરાતના સંવેદનશીલ ગણાતા વિસ્તારો, જ્યાં છાશવારે કોમી છમકલું થાય એવા વિસ્તારોમાં સૌથી વધુ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં અને કોમી એકતા તૂટે નહીં એ માટે પોલીસે માઇક્રો લેવલનું પ્લાનિગ કરી લીધું છે. શહેર પોલીસે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.
ક્રાઇમ બ્રાંચે, એટીએસ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ ભેદી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે અમદાવાદની શાંતિ ડહોળાય નહીં એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. પોલીસ હંમેશાં એલર્ટ હોય છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં બનેલી ઘટના બાદ કોમ્યુનલ વાયોલન્સ ફેલાય નહીં, એ માટે વધુ એલર્ટ આપી દેવાયું છે. સોશિયલ મીડિયા પર પોલીસ વોચ રાખશે. જ્યારે શકમંદો પર પણ નજર રાખવામાં આવશે. જો કોઇ શકમંદ એક્ટિવિટી દેખાશે તો પોલીસ જરૂરથી કાર્યવાહી કરશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. પોલીસ તેમજ એજન્સીઓ સોશિયલ મીડિયા પર વોચ રાખીને બેઠા છે. કેટલાક વિધ્નસંતોષીઓ સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ કે પોસ્ટ અપલોડ કરી શકે છે, જેના કારણે શહેરની શાંતિ ડહોળાય એવી શક્યતા છે. જો કોઇપણ વ્યક્તિ શાંતિ ડહોળે એવી પોસ્ટ અપલોડ કરે તો પોલીસ સીધો ગુનો નોંધીને તપાસ શરૂ કરશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એલર્ટના પગલે બીજાં રાજ્યોથી આવતા લોકોના સામાનની તપાસ કરવામાં આવશે. ગીતામંદિર, કાલુપુર રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર આવતા પેસેન્જરોની તપાસ થશે. જે પેસેન્જરોની ગતિવિધિ શંકાસ્પદ લાગશે તેમની તપાસ કરાશે. કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતની ટીમો પણ એલર્ટ થઇ ગઇ છે. બહારનાં રાજ્યોથી આવતી ટ્રેનમાં મુસાફરોના સામાનનું ચેંકિંગ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત થયા જેમના નામ બે લોકો ભાવનગરના અને એક વ્યક્તિ સુરતનો છે. યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ભાવનગર), સ્મિત યતીશભાઈ પરમાર (ભાવનગર) અને શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા (સુરત)નો છે.