જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મૃતકો માટે 5 લાખની સહાય જાહેર કરી છે. આ સાથે રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય જાહેર કરી છે. મહત્વનું છે કે, હાલ જમ્મુ કાશ્મીરથી ગુજરાતના મૃતકોને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારોની પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઉભી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય કરશે.
પહેલગામ હુમલામાં ભાવનગરના બે મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ લવાયા, જુઓ વીડિયો
આ તરફ પહેલગામ હુમલામાં ભાવનગરના 2 મૃતકોના પાર્થિવદેહને અમદાવાદ લવાયા છે. વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટથી ભાવનગર બાય રોડ પાર્થિવ દેહને લઈ જવામાં આવશે. મહત્વનું છે કે, આતંકી હુમલામાં કુલ 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. આ તરફ સુરતના 1 મૃતકનો પાર્થિવદેહ પણ મોડી રાત્રે સુરત પહોંચશે.