ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત : ડીસામાં બાંધકામ સ્થળે દુર્ઘટના, બે દીકરીનો આબાદ બચાવ; સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી-ડ્રાઇવર ફરાર થઇ ગયા

Spread the love

 

 

 

ડીસા

ડીસામાં બાંધકામ સ્થળે એક દુર્ઘટના સર્જાઇ હતી. ખોદકામ દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. માતાના કરુણ મોતને લઇ દીકરીઓનાં હૈયાફાટ રુદને શોકની લાગણી ફેલાવી દીધી છે. ઘટના બાદ સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન 24 એપ્રિલે એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ખોદકામ ચાલુ હતું ત્યારે, રસ્તા તરફની ગેરકાયદે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી બે દીકરીનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ મૃતક મહિલા તેજલબેન વિરાજી ઠાકોર લોરવાડા ગામના વતની છે. તેમને પાંચ સંતાન છે. 5 મે 2025ના રોજ તેમના ભાઇના લગ્ન હોવાથી તે પરિવાર સાથે ડીસા બજારમાં ખરીદી અર્થે આવ્યાં હતાં. જે દરમિયાન તેઓ રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતાં. જ્યાં બાજુમાં બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. જ્યાં અચાનક એક દીવાલ ધરાશાયી થઇ હતી.

પ્રત્યક્ષદર્શી ચૌહાણ ડુંગરસિહે જણાવ્યું હતું કે, હું પાછળ ચાલી રહ્યો હતો અને મારી આગળ એક મહિલા અને તેનો પરિવાર ચાલી રહ્યો હતો. આ દરમિયાન બાંધકામ સ્થળે જેસીબીની ટક્કરથી રસ્તાની બાજુમાં આવેલી એક ગેરકાયદે દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલ તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી.

ઘટના બાદ બાંધકામ સ્થળ પરથી સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી-ડ્રાઈવર ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાના મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે ગેરકાયદે બાંધકામ અને બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલી બંને દીકરીનાં હૈયાફાટ રુદને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *