સ્પા-સંચાલકો પાસેથી હપતા લઈ કોન્સ્ટેબલ કરોડપતિ બન્યો

Spread the love

 

 

સ્પા-સંચાલકો પાસેથી હપતા લઈ કોન્સ્ટેબલ કરોડપતિ બન્યો:પત્નીના નામે પ્લોટ,

મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન, 26 લાખની FD અને ફ્લેટ, ACBની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા થયેલી બેફામ ઉઘરાણીના અનેક આક્ષેપો વચ્ચે કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી નામના પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ છે. સ્પા-સંચાલકો પાસેથી હપતા લઈ 1.3 કરોડની સંપત્તિનો કોન્સ્ટેબલ માલિક બન્યો હોવાની ACB અને સાયબર ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસ કમિશનરના આદેશ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેના વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. તપાસમાં પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન, 26 લાખની FD અને અન્ય જમીન-ફ્લેટના પુરાવા મળ્યા બાદ હવે વિજય શ્રીમાળી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કોન્સ્ટેબલ વિજય શ્રીમાળીની મિલકત અને રોકાણની તપાસમાં એન્ટી કરપ્શન બ્યૂરો પણ જોડાયું હતું. તપાસના આધારે મળેલી માહિતી અનુસાર, વિજયે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી છે, જેમાં રૂ. 31.6 લાખની મિલકત તેમની આવક કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે, જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો ગણાય છે. વિજયે 20 વર્ષમાં આ મિલકત ભેગી કરી હોવાનું જાણવા મળ્યું છે.

કેટલી મિલકત અને રોકાણ?

  • પોતાના નામે ફલેટ-એ/એક્સ/5, સરળ એપાર્ટમેન્ટ, સુભાષબ્રિજ,અમદાવાદ શહેર
  • પત્ની શીતલબેનના નામે રોકડેથી વર્ષ-2008માં ગોધરા ખાતે ખરીદેલ ખાનગી પ્લોટ
  • પત્નીના નામે વતન-મહારાષ્ટ્રમાં વર્ષ-2017માં ત્રણ વીઘા ખેતીની જમીન રોકડેથી ખરીદી
  • પોતાના તથા પત્ની શીતલબેનના સંયુકત નામે મહારાષ્ટ્ર રાજયના ધુલે, વાલવાડી ખાતે 180 ચોરસ મીટરવાળું રહેણાક મકાન વર્ષ 2024માં ખરીદી.
  • પોતાના નામે 2013માં હોન્ડા મેસ્ટ્રો કાર તથા વર્ષ 2016માં હોન્ડા ડ્રીમ યુગા, વર્ષ 2021માં એક્ટિવા તથા વર્ષ 2019માં હુન્ડાઇ આઇ-20 કાર ખરીદી.
  • પોતાના તથા પોતાની પત્નીના નામે સંયુકત રીતે બેન્કમાં તથા પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ પેટે રૂ.26 લાખનું રોકાણ કર્યું છે.

અપ્રમાણસર મિલકત અને રોકાણ ખર્ચનું મૂલ્યાંકન રૂ. 1.3 કરોડ થાય છે, જેમાંથી રૂ. 31.6 લાખની મિલકત/રોકાણ વધુ છે એટલે કે 23.55 ટકા વધારે છે

વિજય શ્રીમાળી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) અને 13(2) હેઠળ ગુનો નોંધાયો છે. નાયબ પોલીસ કમિશનર ઝોન-2ના સુપરવિઝન હેઠળ અને ‘એલ’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *