લાંબા સમય બાદ મોંઘવારી વચ્ચે જનતા માટે રાહતના સમાચાર સાંભળવા મળ્યા છે. છેલ્લા 6 મહિનામાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે
રાજકોટમાં આજે ખૂલતા બજારે મળતા અપડેટ અનુસાર, 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2300 રૂપિયાએ પહોંચ્યો છે.
દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો નોંધાયો છે.
ભાવ ઘટવાનું કારણ
ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. જોકે, જે જોતા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે, તે જોતા આગામી સમયમાં સિંગતેલના ભાવ હજુ પણ તૂટે તેવી શક્યતા છે.
સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે માત્ર નહિવત ફરક જોવા મળ્યો છે. ખેડૂતોએ મગફળીનો જથ્થો મોટા પ્રમાણમાં વેંચવા કાઢતા સિંગતેલ સસ્તું થયું છે. સિંગતેલ સસ્તું થતા વપરાશમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે.
આમ, જો આમ ને આમ ખાદ્યતેલોના ભાવ ઘટતા જશે તો લોકોને કમરતોડ મોંઘવારી સામે થોડી રાહત મળશે. જોકે, આગામી તહેવારની સીઝનમાં આ ભાવ ફરીથી ઉંચકાઈ ન જાય તો નવાઈ નહિ.