નવસારીમાં બાળકી સાથે છેડતી કરનાર આરોપીને સજા:
પડોશી દ્વારા ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે છેડતી,
5 વર્ષની કેદ અને 11 હજારનો દંડ

નવસારી
નવસારીના જલાલપોર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જ્યારે ઘરે એકલી વાંચી રહી હતી, ત્યારે પડોશમાં રહેતા 55 વર્ષીય ભરત બાબુભાઈ પટેલે તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીએ બાળકીને બાથ ભીડી અને બદઈરાદાથી તેના શરીર અને છાતીના ભાગે અડપલાં કર્યા હતા. તેણે બાળકીને ઉંચકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. બાળકીએ બચાવો-બચાવોની બૂમો પાડતાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો.
પીડિતાએ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકીની મેડિકલ તપાસણી કરાવી અને સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. કેસમાં મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેજસ બ્રહ્મભટ્ટની કોર્ટમાં કુલ 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સરકારી વકીલ અજય ટેલરે રજૂ કરેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદ અને રૂ.11,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પીડિત બાળકીને યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA), નવસારીને યોગ્ય નિર્ણય લેવા માટે આદેશ કર્યો છે.