
ઉત્તર પ્રદેશના સાહરનપુર જિલ્લાના દેવબંદ વિસ્તારમાં આવેલી નિહાલ ખેડી ગામની ફટાકડાની ફેકટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આખી ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. ઘટના વખતે અંદાજે 9 લોકો અંદર કામ કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં આશરે 4 થી 5 કામદારોના મોત થયાની આશંકા છે. જોકે હજુ સુધી વહીવટીતંત્ર તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાસ્થળેથી જે વિડિઓ સામે આવ્યા છે તે મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકોના શરીરના અંગો અલગ અલગ જગ્યાએ વિખરાયેલા જોવા મળ્યા. કેટલાકના હાથ, પગ તૂટી ગયા હતા અને એક વ્યક્તિના હાથની હથેળી પણ કાપેલી હાલતમાં મળી આવી છે. વિસ્ફોટનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જે પરથી વિસ્ફોટની તીવ્રતા અંદાજી શકાય છે. અજ્ઞાત કારણોસર થયેલા આ વિસ્ફોટ બાદ ફેક્ટરી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હાલ NDRF તથા સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ ફેકટરીના અવશેષોમાં કેટલાક લોકો દટાયા હોઈ શકે છે. અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાવી દીધો છે