હરિયાણાના ભૂંહમાં એક્સપ્રેસ વે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માતમાં 6 મજૂરોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે અને તમામ મજૂરો જિલ્લાના ખેડીકલા ગામના રહેવાસી હતા. આ દુર્ઘટના સવારે લગભગ 10:00 વાગ્યે બની હતી જ્યારે ગુરુગ્રામ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક પીકઅપ ગાડીએ તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. મૃતક અને ઘાયલ થયેલા મજૂરો કારમાંથી ઉતરીને કામ પર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક મહિલાઓ ડીએમઈ રોડની સફાઈ અને છોડને પાણી આપવાનું કામ કરતી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ પીકઅપ ગાડી આશરે અડધો કિલોમીટર દૂર એક એંગલ સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માત સો બાદ પીકઅપનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘાયલ થયેલા તમામ મજૂરોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.