પહેલગામ આતંકી હુમલા પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

Spread the love

 

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે અને તેને ‘ખરાબ હુમલો’ ગણાવ્યો છે. રોમ જતા સમયે એરફોર્સ વન વિમાનમાં એક પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો તેને પરસ્પર ઉકેલશે. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી. હું ભારત-પાકિસ્તાન બંનેની ખૂબ નજીક છું…. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “હું ભારતની ખૂબ નજીક છું અને હું પાકિસ્તાનની પણ ખૂબ નજીક છું. કાશ્મીરમાં તેઓ એક હજાર વર્ષથી લડી રહ્યા છે. કાશ્મીર એક હજાર વર્ષથી ચાલી રહ્યું છે, કદાચ તેનાથી પણ વધુ સમયથી. તે એક ખરાબ હુમલો હતો.” તેમણે વધુમાં કહ્યું, “તે સરહદ પર 1500 વર્ષથી તણાવ છે. તે હંમેશાથી આવું જ રહ્યું છે, પરંતુ મને ખાતરી છે કે તેઓ કોઈક રીતે તેનો ઉકેલ લાવશે. હું બંને નેતાઓને જાણું છું. પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ તણાવ છે, પરંતુ હંમેશાથી રહ્યો છે.”
જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ પછી જમ્મુ-કાશ્મીરમાં થયેલા સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક છે. હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે અનેક પગલાં લીધાં છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, પાકિસ્તાની સૈન્ય એટેચીને હાંકી કાઢવા અને અટારી ચોકીને તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બીએસએફે અટારી-વાઘા બોર્ડર પર યોજાતા રીટ્રીટ સમારોહને પણ ઘણો ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. હુમલા પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલગામના હત્યારાઓનો ‘દુનિયાના અંત સુધી’ પીછો કરવામાં આવશે અને તેમણે ‘દરેક આતંકવાદી અને તેમના સમર્થકોની ઓળખ કરવા, તેમને શોધવા અને સજા આપવાનું વચન આપ્યું હતું. ભારતની કાર્યવાહીથી ભડકેલા પાકિસ્તાને ગીદડ ભભકી આપવાનું શરૂ કરી દીધું છે. ભારતના એક્શનના જવાબમાં પાકિસ્તાને તમામ ભારતીય એરલાઇન્સ માટે તેના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની અને ત્રીજા દેશો દ્વારા નવી દિલ્હી સાથેના વેપારને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને પણ નકારી કાઢ્યો અને કહ્યું કે કરાર હેઠળ પાકિસ્તાનના માલિકીના પાણીના પ્રવાહને રોકવાના કોઈપણ પગલાને ‘યુદ્ધની કાર્યવાહી’ તરીકે જોવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *