ગંભીર આર્થિક સંકટમાં 30 લાખથી વધુ બાંગ્લાદેશી

Spread the love

 

 

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ભારત સાથેના વધતા તણાવની મોટી કિંમત સમગ્ર દેશને ચૂકવવી પડી રહી છે. દેશના કાર્યવાહક સરકારના વડા મોહમ્મદ યુનુસના ભારત સાથે ટકરાવવાના પ્રયાસોને કારણે બાંગ્લાદેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. આ સ્થિતિને કારણે 30 લાખથી વધુ બાંગ્લાદેશીઓ પર ગરીબીમાં ધકેલાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વ બેંકે બાંગ્લાદેશના આર્થિક વિકાસના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે અને એવી આશંકા વ્યક્ત કરી છે કે દેશનો આર્થિક વિકાસ છેલ્લા 36 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી શકે છે. વિશ્વ બેંકના અહેવાલ અનુસાર, બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર 2024-25માં માત્ર 3.3 ટકા રહેવાની સંભાવના છે. બાંગ્લાદેશનું નાણાકીય વર્ષ જૂનમાં સમાપ્ત થાય છે અને આ વૃદ્ધિ દર દેશની છેલ્લા 36 વર્ષમાં સૌથી ધીમી ગતિ દર્શાવે છે. નોંધનીય છે કે માત્ર ચાર મહિના પહેલાં જાન્યુઆરીમાં વિશ્વ બેંકે દેશનો વિકાસ દર 4.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ઘટી રહેલું રોકાણ, વધતી મોંઘવારી, નાણાકીય ક્ષેત્રમાં અસ્થિરતા અને રાજકીય અનિશ્ચિતતા અર્થતંત્ર પર ખરાબ અસર કરી રહી છે.
આ રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશનું અર્થતંત્ર એવી સ્થિતિએ પહોંચી ગયું છે જ્યાં તેની સીધી અસર લોકોના જીવન પર પડશે. જીડીપીમાં એક ટકાનો પણ ઘટાડો લાખો લોકોની રોજગારી છીનવી શકે છે. બાંગ્લાદેશમાં આ સ્થિતિ વધુ ખરાબ છે કારણ કે મોટી સંખ્યામાં લોકો પહેલાથી જ રોજગારી માટે સંઘર્ષ કરી રહ્યા છે. 23 એપ્રિલના રોજ જાહેર થયેલા આ રિપોર્ટ મુજબ, જીડીપીમાં ઘટાડાને કારણે લાખો લોકો ગરીબી રેખા નીચે (દરરોજ 2.15 ડોલરથી ઓછી કમાણી કરનારા) ધકેલાઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં માત્ર રોજગારી જ નથી ઘટી રહી, પરંતુ દૈનિક વેતન પણ ઘટી રહ્યું છે. એવી આશંકા છે કે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશની 9.3 ટકા વસ્તી અત્યંત ગરીબીમાં જીવી રહી હશે. એક વર્ષ પહેલાં આ આંકડો 7.7 ટકા હતો, જેનો અર્થ છે કે વધુ 30 લાખ લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઈ જવાની સંભાવના છે. ભારત સાથેના તણાવને કારણે બાંગ્લાદેશે ઘણા એવા અવસરો ગુમાવ્યા છે જે તેને પડોશી દેશ હોવાના કારણે ભારત દ્વારા મળતા રહ્યા હતા, જેમાં પરસ્પર વેપારથી લઈને સંકટ સમયે આર્થિક મદદનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ચીન અને અમેરિકા વચ્ચેના તાજેતરના ટેડ વોરને કારણે બાંગ્લાદેશને બેવડો ફટકો પડ્યો છે કારણ કે અમેરિકાએ બાંગ્લાદેશ પર ઊંચા ટેરિફ લાદ્યા છે, જ્યારે ચીન માટે ભારત હવે પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *